Feeds:
પોસ્ટો
ટિપ્પણીઓ

          એક દીવસ સવારે નવ વાગ્યે અમારા પાડોશીએ ઘરમાં ડોકીયું કરીને પુછી લીધું; તમારો ફોન બગડેલો છે ?’ અમને એમનો પ્રશ્ન સાંભળીને તીવ્ર આશ્ચર્ય થયું. કારણ કે આગલી રાતે મોડે સુધી હાલતો, ચાલતો, બોલતો ફોન સવારે જ મુંગો બની ગયો હતો..

         આઠ વાગ્યા સુધીમાં એકેય વાર એની મધુરી ઘંટડી રણકી નહીં એટલે અમે (અહીં, અને હવે પછી પ્રત્યેક ઠેકાણે અમે’ નો અર્થ હું અને મારી પત્ની એવો સમજવો) સમજી ગયાં હતા કે આજે ટેલીફોન માંદગીની રજા પર છે. (કામચોર કર્મચારીની જેમ એ કયારેય પોતાની રજા અગાઉથી મંજુર કરાવતો નથી….જો કે, ટેલીફોનની આ રીતે કામચોર કર્મચારી સાથે સરખાવવામાં પહેલાને અન્યાય થાય છે. કારણ કે એ કામ પર હોય છે ત્યારે સેવા આપે જ છે, જયારે બીજો તો સેવામાં હોય ત્યારે પણ રજા જ ભોગવતો હોય છે !) અમારો ટેલીફોન બગડી ગયાની જાણ પાડોશીને થએ પરથી સમજી શકાય કે અમારો  ફોન સેવામાં હોય છે ત્યારે કેટલો કાર્યરત રહે છે ! મેં પૂર્વે નોંધ્યું તેમ ફોન બગડે ત્યારે અમને એ જલદી રીપેર થાય તેની ઉતાવળ હોતી નથી. પરંતુ ફોન બગડેલો હોય ત્યારે જેમના કામ અટકી પડે તેવા મીત્રો તરફથી જે આક્ષેપો અને ફરીયાદો સાંભળવા મળ્યા તે અત્યંત રોમાંચક હતા. કોઇ લાંબો સમય અને ઘણા દીવસો સુધી ફોન ન ઉંચકે કે જવાબ ન આપે તો મને એ સમજવામાં વાર નથી લાગતી કે એમનો ફોન બગડયો છે. હવે અઠવાડીયા પછી જ મુલાકાત થશે ! હમણાં ત્રણચાર વખત મારો ફોન બગડયો, આવું બને ત્યારે મેં બગડવાનું અટકાવી દીધું છે. (ભારતમાં રહેવું હોય અને લાંબુ જીવવું હોય તો આ એક જ ઉપાય છે, જે થાય તે સાક્ષીભાવે જોયા કરો !)

         સામાન્ય રીતે ફોન બગડે ત્યારે યોગ્ય સમયે એની જાતે જ ચાલુ થજાય છે. ત્રણ ત્રણ દીવસ સુધી મારા સુધી પહોંચવામાં નીષ્ફળ ગયેલા મીત્રો (અને શત્રુઓ પણ ખરા ! હું કંઇ અજાતશત્રુ નથી.) રૂબરૂ મળ્યા ત્યારે જે ફરીયાદ કરી તે રોમાંચક અને રમુજ પ્રેરે તેવી હતી. એકે કહ્યું; ‘ શું સાહેબ, આખી સવાર લાંબી લાંબી વાતો જ ચાલ્યા કરે. જરા બીજાનો તો ખ્યાલ કરો !બીજાએ તો ઉંચા અવાજે  ગંભીર ઠપકો આપીને જ વાતની શરૂઆત કરીઃ શું તમે પણ ભણેલા ગણેલા થઇને આખો દીવસ ફોન બાજુ પર મુકી રાખો છો ! વાત ન કરવી હોય તો ફોન લીધો શા માટે ?’ ત્રીજો વળી સૌથી આગળ વધી ગયો ; સર, ગઈ કાલે સાંજે છ વાગ્યાથી ટ્રાય કરતા હતા. તમે રાત્રે દસ વાગે પણ ઘરે નહોતા પહોંચ્યા એટલે સમજી ગયો કે, બહેન સાથે તારે જમીં પરજોવા ગયા હશો. હવે છેલ્લું અઠવાડીયું છે ને એટલે….‘ (તમારો ફોન બગડેલો હોય તો યે સામેવાળાની રીંગ સંભળાય….પછી એ અટકળ શરૂ કરે!) અન્ય એક મીત્રનો ખ્યાલ હતો કે ત્રણવાર દીવસ અમે માથેરાન કે સાપુતારા ફરી આવ્યા.(વર્ષા ૠતુનો આનંદ માણવા !)

         સાચું પુછો તો, ફોન બગડે એટલે ઘરમાં જ માથેરાન, સાપુતારા અને મહાબળેશ્વર જેવા તમામ પ્રવાસધામો આવીને વસ્યાં હોય તેવું લાગે. થોડાંક વર્ષો પુર્વે ફોન બગડે એટલે હું ઉંચોનીચો થઈ જતો, જે મળે તેને કમ્પલેઈન નોંધાવવા વીનંતી કરતો.(એક વાર ફોલ્ટરીપેરની ફરીયાદ નોંધતા ઓફીસરે મારો ફોન ચાલુ કરાવીને પહેલો પ્રશ્ન એ પુછયો હતો કે; આપનો ફોન ચાલુ થઇ ગયો ને ? ઓકે. ફાઇન. હવે મને એ કહો કે આપ છો કોણ ? શું કરો છો ? બે કલાકમાં સાડત્રીસ જુદી જુદી વ્યકતીઓએ તમારો ફોન બગડયાની ફરીયાદ બુક કરાવી છે !) હવે એ દીવસો ગયા. ફોન બગડી જાય તો હું પહેલા જેટલી ચીંતા કરતો નથી. છેલ્લી વાર જ્યારે ફોન બગડીને બેઠો હતો ત્યારે અમે ત્રણેક દીવસ તો શાંતીથી ખેંચી કાઢયા. પછી વીચાર્યું કે ત્રણ દીવસનું વેકેશન પુરતું છે. હવે પાછા કામે લાગીએ ! અમે ફોલ્ટ રીપેર સર્વીસ માટે ફોન જોડયો….સતત વ્યસ્ત મળ્યા કરે. બીજા બે દીવસો સુધી અમે એમના સુધી પહોંચવામાં નીષ્ફળ ગયા ! (કદાચ એમનો પોતાનો જ ફોન બગડી ગયો હોય એવું ન બને ? ટેલીફોન બગડયો છે તેવી ફરીયાદ સ્વીકારનારનો જ ફોન બગડી જાય તો શું થાય ? એમનું વેકેશન રૂ થાય !) છેવટે, એમના ઉપલા અધીકારીને વીનંતી કરી. એમણે ખુબ જ વીવેકથી સાંભળીને થોડાક કલાકોમાં જ અમારી શાંતી સમાપ્ત કરી દીધી. ફોન ચાલુ થઈ ગયો. મેં વળતો વીવેક દાખવીને સાહેબનો આભાર માની લીધો. મેં એમની સાથે વાત પુરી કરીને જેવો ફોન મુકયો કે ત્રીજી જ મીનીટે ફરી અમે જ્યાં હતાં ત્યાં આવી ગયા ! પછી તો નકકી કર્યું કે ટેલીફોન બગડવાને કારણે પ્રાપ્ત થતો શાંતીયોગ મન ભરીને માણવો. સામે ચાલીને ઉપાધીને આમંત્રણ આપવું નહીં !

         ટેલીફોન બગડવાના શ્રેષ્ઠ લાભો મેં પ્રાપ્ત કર્યા છે. ફોન બંધ હોય તે દીવસોમાં રાત્રે દસ વાગ્યે ઉંઘી જવાનો નીયમ હું પાળી શકું છું. અન્યથા , રાત્રે અગીયાર સુધી ટેલીફોનના માધ્યમથી કોઈને કોઈ દરવાજે ટકોરા મારતું રહે છે. મોડી રાત્રે ઉંઘમાંથી ઉઠાડી મને કહેવામાં આવે; કાલે કૉન્વોકેશનનું ફોર્મ ભરવાનો છેલ્લો દીવસ છે, પ્લીઝ મારી દીકરી માટે એક ફોર્મ લેતા આવશો….’ અને ફોન કરનાર છેલ્લે ફોર્માલીટી ખાતર પુછે પણ ખરો ;સૉરી, મેં આપની ઉંઘ તો નથી બગાડી ને ! અને આપણે સ્મીત સાથે કહેવાનું હોય ; ના રે ના, અમે તો જાગતા જ હતા ! આપના ફોનની રાહ જોઈને !) ક્યારેક સવારે સાડાપાંચ વાગ્યે (થયું કે પછી આપ ફીસે જવા નીકળી જાઓ એટલે વહેલી સવારે જ પકડી લઈએ !) ક્યારેક બપોરે બે વાગ્યે તો ક્યારેક મોડી રાત્રે બે વાગ્યે ( હૉટલ પૅરૅડાઇઝ ? બે એ.સી. રૂમ મળી શકશે ?) ફોનની રીંગ વાગ્યા કરે અને તમારે જાગ્યા કરવાનું! ટેલીફોન બગડવાનો રોકડો ફાયદો ; શાંતી, નીરવ શાંતી, મનને ઉદ્વેગ પહોંચાડે એવી વાતોથી દુર, બ્લડ પ્રેશર ઉંચું થઇ જાય તેવી ચર્ચાઓ બંધ, પરીવારના સભ્યો સાથે પ્રત્યાયન માટે પુરેપુરો સમય પ્રાપ્ય. ટેલીફોન ચાલુ હોય ત્યારે નીરાંતે જમી ન શકાય, મહેમાનો સાથે વાત ન થઇ શકે, પોતાની સાથે (આત્મ સંભાષણ) વાતો કરવી હોય તો તે પણ શક્ય ન બને.

         વારંવાર બગડતા રહેતા ટેલીફોને મને એક વાત સમજાવી છે કે માણસે શાંતીથી જીવવું હોય તો સ્વેચ્છાએ  ટેલીફોનના ઉપયોગ પર સંયમ કેળવવો જોઈએ. હું એક મીત્રને ઓળખું છું જે સવારે કોના ફોન રીસીવ કરતાં નથી. (જે વાત કરવાની હોય તે રાત્રે, મારી સવાર બગાડવાની જરૂર નથી !) આખું રાષ્ટ્ર સપ્તાહમાં એકવાર યાંત્રીક વાહનોનો ઉપયોગ બંધ રાખે (પ્રત્યેક નાગરીક પોતાને ગમતો એક દીવસ નકકી કરીને તે દીવસે વાહનનો ઉપયોગ ન કરે) એવું સુચન એક વીચારશીલ નાગરીકે કર્યું હતું. સપ્તાહમાં એક દીવસ ટેલીફોનને હાથ ન લગાડવાનો સંકલ્પ પણ માનસીક  શાંતી પ્રાપ્ત કરવામાં ઉપકારક બની શકે એવું લાગે છે. 

(ડૉ. શશીકાંત શાહ પ્રૉફેસર અને અધ્યક્ષઃ વીર નર્મદ દક્ષીણ ગુજરાત યુનીવર્સીટી, સુરત. ફોન નં.(ઘર)૦૨૬૧ ૨૭૭૬૦૧૧. પ્રસ્તુત લેખ લેખકના પુસ્તક ક્ષીતીજ પ્રકાશકઃ કુમુદ શાહ; પ્રથમ આવૃત્તીઃમાર્ચ–૨૦૦૮; પૃષ્ઠસંખ્યાઃ ૧૬૪; કીંમતઃ રૂ. ૧૨૦  માંથી સાભાર)

 

Advertisements

લેણદાર!– હરીશ્ચંદ્ર

            પુનમ જ્યારથી કામ કરવા આવી ત્યારથી, અમારઘરની રોનક બદલાઈ ગઈ. યાદ આવ્યા તેના બચપણના દીવસો, જયારે એ અમારા ઘર સહીત કેટલાંયે ઘરોમાં માગતી ફરતી હતી. માગી–તાગીને જ પેટ ભરતી. મારી પત્ની તેને કાંઈક ને કાંઈક આપતી. મને કહેતી, ‘એનો માસુમ ચહેરો જોઈ મને એને આપવાનો ઉમળકો થઈ આવે છે.’

            હું એની ભાવુકતા જોઈ હસતો. કયારેક પત્ની અંદર હોય અને પુનમ આવી હોય તો કહેતો, ‘લે, આવી તારી લેણદાર !’

            પત્નીને ગમતું નહીં. એ મને ઠપકો આપતી, ‘કોઈને માગણદાર ને લેણદાર કહીને એની ઠેકડી ન ઉડાવો. તમને ખબર નથી, બીચારી મા–બાપ વીનાની છોકરી છે. નાની પાસે રહે છે અને માગી–ભીખીને પેટ ભરે છે.’

            બે–ચાર વરસ વીત્યાં. પુનમ મોટી થતી ગઈ. હવે તે મોટો કોથળો લઈને પ્લાસ્ટીક, કાગળ વગેરે ભરતી. કયારેક અમારા ઘરે ડોકીયું કરી જતી. પત્ની એનામાં રસ લેતી, એની સાથે બે વાત કરતી.

            હવે અમારી ઉંમર વધતી ચાલી. પત્નીને શ્વાસની તકલીફ શરુ થઈ. માંડ–માંડ ઘરમાં કામ કરતી. મને ઘુંટણનો દુખાવો અને બ્લડપ્રેશર. થોડી કરોડરજજુના મણકાનીયે તકલીફ. નીચું નમાય નહીં, કોઈ વસ્તુ ઉપાડાય નહીં.

            ઘરમાં અમે બે જ જણ. દીકરી સાસરેથી આવે, ત્યારે એ અને એનાં છોકરાંવથી ઘર હર્યું–ભર્યું લાગે. પણ દીકરી કેટલા દીવસ રહે ? બે–પાંચ દીવસમાં જતી રહે એટલે બુઢ્ઢો–બુઢ્ઢી અમે બે ફરી એકલાં !

            દીકરો અમેરીકા ભણવા ગયેલો.. પણ પછી ત્યાં બે વરસ વધુ રહી ગયો. હવે અમે એને લખ્યું કે તું અહીં આવી જા અને લગ્ન કરી લે, એટલે અમારી એકલતા મટે. પરંતુ એ કાંઈ ને કાંઈ બહાનાં બતાવતો રહ્યો. એકાદ વરસ પછી તો એણે અમને લખી દીધું, ‘હું તો અહીં જ રહેવાનો અને અહીં જ પરણવાનો. તમે મારી ચીંતા ન કરતા.’

            અમે ભાંગી પડયાં. અમે તારી ચીંતા ન કરીએ, પણ તું તો અમારી કરે ને ! પણ કોને કહેવું ? અને અમારે જીવવું શી રીતે ? એવોયે વીચાર આવી ગયો કે કોઈક વૃદ્ધાશ્રમમાં જઈને રહીએ. ત્યાં આપણા જેવાં સમદુખીયાંઓ વચ્ચે જીવી જવાશે. પણ ઘર છોડવાનું મન માનતું નહોતું. અમે ભારે નીરાશામાં ડુબી ગયાં. પહેલી વાર સમજાયું કે પૈસો કાંઈ બધાં દુઃખનો ઈલાજ નથી બની શકતો. અને લોહીની સગાઈ પણ કાંઈ કામ નથી આવતી.

            એવી પળોમાં પત્નીએ એક વાર કહ્યું, ‘પુનમને ઘરકામ માટે બોલાવીએ તો ?’

            ‘કોણ ? પેલી તારી લેણદાર ?’

            ‘તમેય શું ? હવે એ માગતી–ભીખતી નથી, મહેનત કરીને કમાય છે. મોટી થઈ ગઈ છે. આપણને ટેકો થશે.’

                        અને પત્ની તેને શોધતી રહી. એક દીવસ કાગળ–પ્લાસ્ટીક વીણતી મળી ગઈ. પત્નીએ પુછયું, ‘આના કરતાં તું ઘરકામ કરે તો ?’

            ‘હું ? મને કોણ રાખે ઘરકામ કરવા ?’

            ‘હું રાખીશ. અને તને પગાર પણ આપીશું, ખાવાનું આપીશું.’

            પુનમ ખુશ–ખુશ થતી પગે પડી. ‘હું કાલથી કામ પર આવી જઈશ..’

            બીજે દીવસે એ આવી. પત્નીએ તેને બધાં કામ સમજાવ્યાં. તેને આવાં કામોની આદત તો નહોતી, પણ ભારે ઉત્સાહી છોકરી. થોડા દીવસમાં બધું શીખી ગઈ. ઘર ચોખ્ખું ચટ રાખે. ચીજવસ્તુ બધી યથાસ્થાને રહે તેની કાળજી રાખે. ધીરેધીરે રસોડામાંથીયે પત્નીને હાથવાટકો થઈ ગઈ. ઘણી બાબતમાં મારીયે હાથલાકડી. ‘બાબુજી, દવા લીધી ?….બાબુજી, તમારે કાંઈ નહીં ઉપાડવાનું. દાકતરે ના કહી છે ને !….’

            કામમાં લગીરે આળ નહીં. હસતી–હસતી બધાંયે કામ કરતી રહે. અને હાથની ચોખ્ખી. શરુ–શરુમાં અમને હતું કે સજાગ રહેવું, કયાંક ચોરી–બોરીની ટેવ હોય તો ! પણ પછી અમને જ મનમાંઆવી શંકા લાવવા બદલ શરમ આવી. ભલે માગી–ભીખીને અને પ્લાસ્ટીક–કાગળ વીણીને મોટી થઈ હોય; પણ પ્રામાણીક હતી, સંસ્કારી હતી.

            અમારા બેમાંથી કોઈની તબીયત નરમ હોય, તો પુનમ હાંફળી–ફાંફળી થઈ જતી. …..શું કરું ?……કેવી રીતે મદદ કરું ?……દાક્તર આવે ત્યારે દાક્તરે દીધેલ બધી સુચના ધ્યાનથી સાંભળે અને પછી અમને યાદ દેવડાવે.

            અમને થતું આપણે કેવા નસીબદાર ! પોતાનાં પરાયાં થયાં, ત્યારે આવી એક પારકીને પોતીકી કરી દીધી ! હું મનોમન વીચારતો કે કેવી હશે આ જનમોજનમની લેણદેણ !

            વચ્ચે મારી તબીયત જરીક વધારે બગડી. બી.પી. બહુ વધી ગયું. મણકાની તકલીફ પણ ઉભરી આવી. ત્યારે પુનમ મારું કેટલું બધું ઝીણું–ઝીણું ધ્યાન રાખતી ! એક વાર હું ખાટલામાંથી નીચા વળી કોઈક ચીજ લેવા કોશીષ કરી રહ્યો હતો. પુનમ ઝાડુ વાળી રહી હતી. તેણે જોયું, અને બોલી ઉઠી, ‘બાબુજી, આ શું કરો છો ?’ કામ પડતું મુકી એકદમ દોડી આવી. ‘મને બોલાવવી જોઈએ ને !’

            હું ગદ્ગદીત  થઈ ગયો. સજળ નેત્રે એને જોઈ રહ્યો. મૃદુ સ્વરે એણે પુછ્યું, ‘આમ શું જોઈ રહ્યા છો, બાબુજી ?’ 

            ‘હું જોઉં છું કે……..કે તું મારી કોણ છે ?’

            હું….હું…..હું તમારલેણદાર !’ – કાનમાં કહેતી હોય તેમ મંદ સ્વરે એ બોલી. મારી આંખો ઉભરાઈ આવી. મેં એને પાસે લઈ એનું માથું ચુમ્યું.

‘હરીશ્ચંદ્ર’

 (શ્રી મહેશચંદ્ર જોશીની હીંદી વાર્તાને આધારે તા. 01-04-2008ના ‘ભુમીપુત્ર’માંથી સાભાર.)

 

 

           

           

પ્રાસ્તાવીક

  
ગીરા ગુર્જરીના ઉપાસકો અને વાચકો,
             મારા પ્રથમ બ્લોગ ‘વીચાર–વંદના’ માં આપનું હાર્દીક સ્વાગત કરું છું.
            હું નથી લેખક કે નથી કવી. પરંતુ સાહીત્યમાં ઉત્કૃષ્ટ પ્રદાન કરનાર લેખકો અને કવીઓની કૃતીઓને વાંચીને, એક ભાવક તરીકે તેને બીરદાવી તો શકું છું.. ‘સન્ડે–ઈ–મહેફીલ’ના કેટલાક લેખોનું અક્ષરાંકન કરવાનો સુવર્ણ અવસર સાંપડયો ત્યારે એક દીશા મળી. મને થયું કે હું જે કંઈ વાંચું છું તેમાંથી જે  મને શ્રેષ્ઠ લાગે એ હું એકલો જ જાણું, માણું અને બીરદાવું એ તો નર્યું સ્વકેન્દ્રીપણું છે. મને લાગતી શ્રેષ્ઠ કૃતીઓ, સાહીત્યમાં રુચી રાખનાર ભાવકો સામે મુકી એમને પણ મારે આ આનંદમાં સહભાગી બનાવવા જોઈએ.
            કવીઓ – લેખકો નીજાનંદ માટે પોતાની કૃતીઓ સર્જતા હોય છે. આમ છતાં એ વાતેય હકીકત છે કે સર્જકો અને ભાવકો એકબીજા સાથે અવીનાભાવે સંકળાયેલા છે. સર્જકોની કૃતીઓનું આંતરીક સૌંદર્ય માણી શકે તેવા ગુણીજનો મળે ત્યારે જ આ કૃતીઓ સાર્થક થાય. ‘વીચાર–વંદના’ – બ્લોગ શરુ કરવા પાછળનો એક માત્ર ઉદ્દેશ, સાહીત્યકારોની મને ગમેલી કૃતીઓ બ્લોગ પર મુકી, તેઓના વીચારોને વંદન કરી, દેવી સરસ્વતી અને ગીરા ગુર્જરીની સેવા કરવાનો છે.
            આશા રાખું છું કે વાચકો આ  કૃતીઓને વાંચી, ભરપુર આનંદ માણીને બીરદાવશે.
                                                                                       – વીજેશ કે. શુકલ
                                                                                vijvan302@gmail.com
 
––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––