Feeds:
પોસ્ટો
ટિપ્પણીઓ

Archive for the ‘વાર્તા’ Category

            પુનમ જ્યારથી કામ કરવા આવી ત્યારથી, અમારઘરની રોનક બદલાઈ ગઈ. યાદ આવ્યા તેના બચપણના દીવસો, જયારે એ અમારા ઘર સહીત કેટલાંયે ઘરોમાં માગતી ફરતી હતી. માગી–તાગીને જ પેટ ભરતી. મારી પત્ની તેને કાંઈક ને કાંઈક આપતી. મને કહેતી, ‘એનો માસુમ ચહેરો જોઈ મને એને આપવાનો ઉમળકો થઈ આવે છે.’

            હું એની ભાવુકતા જોઈ હસતો. કયારેક પત્ની અંદર હોય અને પુનમ આવી હોય તો કહેતો, ‘લે, આવી તારી લેણદાર !’

            પત્નીને ગમતું નહીં. એ મને ઠપકો આપતી, ‘કોઈને માગણદાર ને લેણદાર કહીને એની ઠેકડી ન ઉડાવો. તમને ખબર નથી, બીચારી મા–બાપ વીનાની છોકરી છે. નાની પાસે રહે છે અને માગી–ભીખીને પેટ ભરે છે.’

            બે–ચાર વરસ વીત્યાં. પુનમ મોટી થતી ગઈ. હવે તે મોટો કોથળો લઈને પ્લાસ્ટીક, કાગળ વગેરે ભરતી. કયારેક અમારા ઘરે ડોકીયું કરી જતી. પત્ની એનામાં રસ લેતી, એની સાથે બે વાત કરતી.

            હવે અમારી ઉંમર વધતી ચાલી. પત્નીને શ્વાસની તકલીફ શરુ થઈ. માંડ–માંડ ઘરમાં કામ કરતી. મને ઘુંટણનો દુખાવો અને બ્લડપ્રેશર. થોડી કરોડરજજુના મણકાનીયે તકલીફ. નીચું નમાય નહીં, કોઈ વસ્તુ ઉપાડાય નહીં.

            ઘરમાં અમે બે જ જણ. દીકરી સાસરેથી આવે, ત્યારે એ અને એનાં છોકરાંવથી ઘર હર્યું–ભર્યું લાગે. પણ દીકરી કેટલા દીવસ રહે ? બે–પાંચ દીવસમાં જતી રહે એટલે બુઢ્ઢો–બુઢ્ઢી અમે બે ફરી એકલાં !

            દીકરો અમેરીકા ભણવા ગયેલો.. પણ પછી ત્યાં બે વરસ વધુ રહી ગયો. હવે અમે એને લખ્યું કે તું અહીં આવી જા અને લગ્ન કરી લે, એટલે અમારી એકલતા મટે. પરંતુ એ કાંઈ ને કાંઈ બહાનાં બતાવતો રહ્યો. એકાદ વરસ પછી તો એણે અમને લખી દીધું, ‘હું તો અહીં જ રહેવાનો અને અહીં જ પરણવાનો. તમે મારી ચીંતા ન કરતા.’

            અમે ભાંગી પડયાં. અમે તારી ચીંતા ન કરીએ, પણ તું તો અમારી કરે ને ! પણ કોને કહેવું ? અને અમારે જીવવું શી રીતે ? એવોયે વીચાર આવી ગયો કે કોઈક વૃદ્ધાશ્રમમાં જઈને રહીએ. ત્યાં આપણા જેવાં સમદુખીયાંઓ વચ્ચે જીવી જવાશે. પણ ઘર છોડવાનું મન માનતું નહોતું. અમે ભારે નીરાશામાં ડુબી ગયાં. પહેલી વાર સમજાયું કે પૈસો કાંઈ બધાં દુઃખનો ઈલાજ નથી બની શકતો. અને લોહીની સગાઈ પણ કાંઈ કામ નથી આવતી.

            એવી પળોમાં પત્નીએ એક વાર કહ્યું, ‘પુનમને ઘરકામ માટે બોલાવીએ તો ?’

            ‘કોણ ? પેલી તારી લેણદાર ?’

            ‘તમેય શું ? હવે એ માગતી–ભીખતી નથી, મહેનત કરીને કમાય છે. મોટી થઈ ગઈ છે. આપણને ટેકો થશે.’

                        અને પત્ની તેને શોધતી રહી. એક દીવસ કાગળ–પ્લાસ્ટીક વીણતી મળી ગઈ. પત્નીએ પુછયું, ‘આના કરતાં તું ઘરકામ કરે તો ?’

            ‘હું ? મને કોણ રાખે ઘરકામ કરવા ?’

            ‘હું રાખીશ. અને તને પગાર પણ આપીશું, ખાવાનું આપીશું.’

            પુનમ ખુશ–ખુશ થતી પગે પડી. ‘હું કાલથી કામ પર આવી જઈશ..’

            બીજે દીવસે એ આવી. પત્નીએ તેને બધાં કામ સમજાવ્યાં. તેને આવાં કામોની આદત તો નહોતી, પણ ભારે ઉત્સાહી છોકરી. થોડા દીવસમાં બધું શીખી ગઈ. ઘર ચોખ્ખું ચટ રાખે. ચીજવસ્તુ બધી યથાસ્થાને રહે તેની કાળજી રાખે. ધીરેધીરે રસોડામાંથીયે પત્નીને હાથવાટકો થઈ ગઈ. ઘણી બાબતમાં મારીયે હાથલાકડી. ‘બાબુજી, દવા લીધી ?….બાબુજી, તમારે કાંઈ નહીં ઉપાડવાનું. દાકતરે ના કહી છે ને !….’

            કામમાં લગીરે આળ નહીં. હસતી–હસતી બધાંયે કામ કરતી રહે. અને હાથની ચોખ્ખી. શરુ–શરુમાં અમને હતું કે સજાગ રહેવું, કયાંક ચોરી–બોરીની ટેવ હોય તો ! પણ પછી અમને જ મનમાંઆવી શંકા લાવવા બદલ શરમ આવી. ભલે માગી–ભીખીને અને પ્લાસ્ટીક–કાગળ વીણીને મોટી થઈ હોય; પણ પ્રામાણીક હતી, સંસ્કારી હતી.

            અમારા બેમાંથી કોઈની તબીયત નરમ હોય, તો પુનમ હાંફળી–ફાંફળી થઈ જતી. …..શું કરું ?……કેવી રીતે મદદ કરું ?……દાક્તર આવે ત્યારે દાક્તરે દીધેલ બધી સુચના ધ્યાનથી સાંભળે અને પછી અમને યાદ દેવડાવે.

            અમને થતું આપણે કેવા નસીબદાર ! પોતાનાં પરાયાં થયાં, ત્યારે આવી એક પારકીને પોતીકી કરી દીધી ! હું મનોમન વીચારતો કે કેવી હશે આ જનમોજનમની લેણદેણ !

            વચ્ચે મારી તબીયત જરીક વધારે બગડી. બી.પી. બહુ વધી ગયું. મણકાની તકલીફ પણ ઉભરી આવી. ત્યારે પુનમ મારું કેટલું બધું ઝીણું–ઝીણું ધ્યાન રાખતી ! એક વાર હું ખાટલામાંથી નીચા વળી કોઈક ચીજ લેવા કોશીષ કરી રહ્યો હતો. પુનમ ઝાડુ વાળી રહી હતી. તેણે જોયું, અને બોલી ઉઠી, ‘બાબુજી, આ શું કરો છો ?’ કામ પડતું મુકી એકદમ દોડી આવી. ‘મને બોલાવવી જોઈએ ને !’

            હું ગદ્ગદીત  થઈ ગયો. સજળ નેત્રે એને જોઈ રહ્યો. મૃદુ સ્વરે એણે પુછ્યું, ‘આમ શું જોઈ રહ્યા છો, બાબુજી ?’ 

            ‘હું જોઉં છું કે……..કે તું મારી કોણ છે ?’

            હું….હું…..હું તમારલેણદાર !’ – કાનમાં કહેતી હોય તેમ મંદ સ્વરે એ બોલી. મારી આંખો ઉભરાઈ આવી. મેં એને પાસે લઈ એનું માથું ચુમ્યું.

‘હરીશ્ચંદ્ર’

 (શ્રી મહેશચંદ્ર જોશીની હીંદી વાર્તાને આધારે તા. 01-04-2008ના ‘ભુમીપુત્ર’માંથી સાભાર.)

 

 

           

           

Advertisements

Read Full Post »