Feeds:
પોસ્ટો
ટિપ્પણીઓ

Archive for નવેમ્બર, 2008

           આમ તો નાનપણમાં; બધા થોડાઝાઝા તોફાન હોય જ પણ અમે ભાઈ–બહેન જરા વધુપડતાં જ વાંગડ હતાં. આજે એમાંનું કંઈ યાદ આવે ત્યારે દાંત કાઢીકાઢીને પેટમાં આંટી પડી જાય છે…આપણે આવાં હતાં ખરાં? એવો પ્રશ્ન નથી થતો કારણ આ બધું હજી કાલે જ બન્યું હોય એવું સાવ ચોખ્ખુંચણાક નજર સામે તરવરે છે…

            મારા ઘરની હાલત એવી હતી કે મા–બાપ ચાદરના બે છેડા ભેળા કરવામાંથી ઉંચા જ નો આવતાં. સાંજ પડયે ચુલાની રાખ ટાઢી નો રયે એના માટે મા ને બાપુ બેઉ દી‘ આખો હડીયાપાટી કર્યે રાખતાં. એટલે એમનો વાંહો વળે ઈ પછી અમે કેવીકેવી લીલાઓ કરતા. ઈ જોવાનો એમની પાંહે વખત જ  નો‘તો. જોકે મા–બાપનાંભાગ્ય એટલાં પાંહરાં નીકળ્યાં કે અમે ભાંગફોડીયાં નો‘તા. ભણતા પણ બરાબર ને નીશાળેથી કોઈની રાવ લઈનેય નો આવતાં. (જોકે કદી માર ખાઈનેય નો‘તા આવતાં. હીસાબ પતાવીને પછી જ ઘરમાં પગ મુકવાની ટેવ…) આમ તો અમે પાંચ ભાઈ–બહેન. પણ અમારા તોફાનોમાં મોટીબહેન મોટી પડતી ને નાનીબહેન નાની… એટલે રહ્યાં હું ને મારાથી મોટા બે ભાઈ.… સાવ નાનેથી જ નાનાથી મોટાને મોટોભાઈ અને મારાથી બે વર્ષ મોટાને નાનો ભાઈ કહેવાની ટેવ… એ બેઉના નામના પર્યાય જ થઈ ગયેલ. નાનો ને મોટો… આમાં મારે મોટા ભાઈ સાથે બહુ ભડે પણ નાના ભાઈ સાથે બારમો ચંદરમા… અમારે બેયને ઉભા નો ભળે. બધી વાતે એને મારી હાથે વાંકું પાડવાની ટેવ… હાલતાં–ચાલતાં હાથનો ચાળો કરતો જાય… એના હાથ હાલે ને મારી જીભ… હું હતી અઢી હાડકયાની. જરાક જોરમાં પવન વાય તો ઉડી જાઉં એવી… એટલે હાથોહાથની લડાઈમાં તો એને પોંચી વળું એમ હતી નંઈ, પછી જીભ સીવાય કયું શસ્ત્ર બચે? એટલે વાતેવાતે માર ખાવાનો થાય. મોટો કંટાળે તો વચ્ચે પડે, મને મેલાવે… પણ મોટા ભાગે ઈ મેતો મારેય નંઈ ને ભણાવેય નંઈ એવો જીવ… જેમ થાતું હોય ઈમ થાવા દ્યે. મારી માર ખાવાની તાકાત ખર્ચાય જાય પણ જીભ થાકી જાય પછી હું ભેંકડો તાણું પણ સાંભળે કોણ ? દાદી બીચારી કામ કરતી હોય. વીઘા એકના ફળીયામાં અમે કપાઈ મરીએ તોય કોઈ જોવાવાળું હતું નંઈ. અમે તો ગામ બારા, વગડા વચાળે આવળ–બાવળને ઈંગોરીયાના જાળાઓ વચાળ સાવ એકલાં રે‘તાં તાં. ખાસ પડોશ તો હતો નંઈ. રોઈ રોઈને થાકું એટલે છાની રહી જાઉં. માંડું કંઈ વાંચવા કે લેસન કરવા.દસ–સાડાદસ થાય ને બા માથે બે–અઢી મણનો લાકડાનો ભારો કે એક હાથ ઉંચું અડાયાનું જાળું ખડકીને સીમમાંથી આવતી દેખાય. તરત નાનો ભાઈ મને કોણી મારે…”જો… બા આવ્યાં, તારે રોવું નથી ?” ને ખરેખર જ મારું ભુંગળું શરૂ થઈ જાય. એક તો બા રખડી–રખડીને થાકીપાકીને આવ્યાં હોય, પેટમાં લાય લાગી હોય… જરાક પોરો ખાઈ પાણી–બાણી પીવે ઈ પેલાં જ મારો ભેંકડો સંભળાય. એટલે આડું–અવળું જોયા–જાણ્યા વગર ઝાંઝ ચડી હોય એમ ઉભી થાય અને વગર વાંકે મને ઝુડી નાંખે. આ ખેલ લગભગ આખું વેકેશન રોજ ભજવાય… ને મને સાવ નાની હતી તોય બેઉ બાજુનો માર ખાવાને કારણે લાગતું કે આ  દુનીયામાં ન્યાય જેવું કંઈ છે જ નંઈ ! વળી નવાઈ એ  હતી કે પાંચ ભાઈબહેનમાંથી માર હું એકલી જ ખાતી. એક તો કામની ચોર, લખણની લાડકી ને એમાં ગામ આખાને આંટો વાઢે તોય વેંત્ય વધે એવી વાંભ એકની જીભ… બપોર પછી બા નીરાંત જીવે આડે પડખે થાય ને મોટા ભાઈ પાંહેથી વાત જાણે ત્યારે પસ્તાય પણ ખરી…પણ વળી પાછો રોજનો ખેલ તો એવો ને એવો જ…આ માર સામે વીરોધ વ્યકત કરવાનું મારું એક જ હથીયાર. ખાવા નો બેસું… લાગલગાટ બબ્બે લાંઘણ ખેંચું, મોંમાં ચાંદા પડી જાય. પણ ધરાર ખાવા ન બેસું. મા કાલાવાલા કરે, મનાવીને માંડ ખાવા બેહાડે ત્યાં નાનો ભાઈ ‘નીર પાણી વગર્ય ગોરીયો ગમાણો આવી ગ્યો‘  કે‘તો ઉભો જ હોય ને વળી હું કાળજાળ.…ભાણું હડસેલતીકને એની વાંહે…કોને ખબર્ય આ ખેલ કેટલાં વરસ ભજવાયો હશે ?…

            બા નાના ભાઈને ઘણી વાર વારે પણ ખરીઃ ‘મારા રોયા, બેનને મારીશ તો ખુદા તારા હાથમાં કાંટા ઉગાડશે…‘ પણ એને કો ‘ઈ દા‘ડો બાના વેણની અસર નો ‘તી થઈ. આમેય હું નાનેથી સડેલી હતી…બારે મઈના કાં ગુમડા ને કાં ખરજવાં…માછલી ઠોલે તો ગુમડાં મટી જાય એવી માન્યતાને કારણે મેં ખબર્ય નંઈ કેટલી માછલીયુંને ધરવી હશે! પણ ગુમડાં મટયાં હોય એવો કોઈ ચમત્કાર માછલીયુંએ નો’તો કર્યોં એમાં એક વરસે મારા આખા શરીરે ઝળેળા ફુટી નીકળ્યા, તલ મેલો એટલી જગ્યા પણ નો’તી બચી. પેલાં પાણીથી ભરાણા ને પછી રસીથી ફદફદી ગ્યા. કો’ક ખવડાવે ત્યારે ખવાય એવા હાથ ગેગી ગ્યા… ને નાનો ભાઈ ખુશખુશાલ મોઢે બાને કયેઃ “લ્યો, આ તો મારા હાથમાં ઉગવાને બદલે બાડીના હાથમાં કાંટા ઉગ્યા…” નાની હતી ત્યારે મારે છએક મહીના માટે ચશ્મા આવેલાં. બસ ત્યારથી બેઉ ભાઈ કાયમ આ જ નામે બોલાવતા. આમેય નાના ભાઈને તો મારા મુળ નામ કરતાં એણે પાડેલાં મારાં નામોમાં વધુ રસ. બાડા બત્રીસ–લખણા હોય એવું એ રોજ સંભળાવે. એણે મારાં બત્રીસ નામ પણ પાડેલાં. આજે આટલાં વર્ષો પછી એની દીકરીની ફરમાયશ પર હજીયે એક શ્વાસે એ મારાં બત્રીસ નામ બોલી શકે છે!!!

            હું એવી આડી હતી કે બેઉ ભાઈ જયાં રખડવા જાય ત્યાં ધરાર એની વાંહે જાઉં, કેટલીયે વાર મારીને પાછી તગેડી મુકે તોય રોતી જાઉં ને વાંહે વાંહે હડી કાઢતી જાઉં… રમત્યું પણ ધરાર ઈ બધા રમે ઈ જ રમવાની જીદ. મોંઈ–દાંડીયા, લગ્ગી (લખોટી), નારગોલ, ગરીયો ફેરવવો….ખજુરના ઠળીયાથી કે કોડીયુંથી રમવું… રત્ય પ્રમાણે રમત્યું બદલ્યે રાખે… પણ છોકરીયું ભેળી ધરાર નો રમું. પેલ્લો વરસાદ આવે ઈ ભેળા બેય ભાઈ, ગામની રખડેલ પરજા ભેળા વીંછી ગોતવા નીકળી પડે. ઘર પડખેની ટેકરીઓ પર મોટા મોટા પાણા ઉંચા કરે એટલે હેઠ્યે કાળા ભમ્મર કાદવીયા વીંછી બેઠા જ હોય. આ વીંછી જો ડંખે તો માણસ પાણી નો માગે એવું એનું ઝેર હોય. ને તોય ખબર નંઈ આ બધાને વીંછી પકડવામાં શેના જલસા પડતા ? પેલ્લા વરસાદે કાદવીયા વીંછીના ડાબલા ભરવાના એટલે ભરવાના…પણ જેવો ડાબલો ભરાય ઈ ભેળી રમત્ય પુરી…બસ પછી રમરમાવીને ડાબલાનો ઘા કરી દેવાનો… પણ એકવાર ડાબલો બંધ કરીને ભુલી ગ્યા ફેંકવાનુ. તે બધા વીંછી ગુંગળાઈ મર્યા. પછી બાએ બરોબર્યના ઠમઠોર્યા કે કાયમ માટે ખો ભુલી ગ્યા વીંછી પકડવાની.

            આ બેય ભાઈ બધીય જાતના ખેલમાંથી નવરા પડે એટલે હું હાથે ચડું…એક ભાઈ ડામચીયા પાંહે ઉભો ર્યે અને બીજો ઘરની વચાળે… પછી બેઉ ‘આવવા દે…માર્ય ધકકો….‘ કેતા જાય ને મને ધકેલતા જાય…હું ગમે એટલું રાડયું નાખું તોય ઈ બેયને મજા આવે ત્યાં લગણ ઈ મને દડો બનાવીને રમ્યે રાખે. મારા માથે કાયમ ગુમડાં થાય એટલે બને ત્યાં સુધી બા માથે વાળ ઉગવા જ ના દ્યે…ટાલકું જ રાખે. કયારેક મન થાય ને કોઈ ભાળે એમ નથી એની ખાતરી થાય એટલે બેય ભાઈ ભેળા થઈ કેડા વચાળે બેસાડી ઝીણી ધુડયથી નવડાવે…ટાલ પરથી સરી જતી ધુ્ડ્ય જોવાનો એમનો આનંદ બાપુએ બે ઝાપટ મારીને છીનવી લીધેલો…જોકે માર મોટાને જ પડેલો… નાનો કદી માર ખાવામાં, કામ કરવામાં… લાગે ચડતો જ નંઈ. અમારા ઘરમાં એક મોટા મોઢાવાળી બેટરી હતી. એક દા‘ડો અમારા ત્રણેય વચ્ચે શરત લાગી કે કોના મોઢામાં આ બેટરી જાય ? ને ડોળા ફાટીર્યા તોય મેં અને મોટાએ ખેલ કરી દેખાડયો. નાનાને નો ગઈ એટલે મારે તો બમણો હરખ. પણ ઈ બેટરીના કારણે મારે ને મોટાને કાયમી ધોરણે જડબાંખડી ગ્યાં (dislocation of  jaw).  આજે જરાક સુખાળવું બગાસું ખવાઈ જાય તોય હેઠલા જડબાને હાથથી ધકકો મારી મોં બંધ કરવું પડે. ઉભી બજારે પાણીપુરી ખાનારાઓની મને એટલે જ બઉ ઈર્ષા થાય!!

            નાનો ભાઈ કામનો મારી જેમ જ કાહળીયો. બને ત્યાં સુધી તો એ લાગમાં જ નો આવે. ને જો ભુલેચુકેય  લાગમાં આવી જાય તો અડદને બદલે મગની દાળ કે એવું જ કંઈક ભળતું લઈ આવે તે મોટાને બદલવા જવું પડે… બા બીજીવાર મોકલે નંઈ એનો નાનો મેળ પાડી જ લ્યે. એમાંય જો બા ગોળ મંગાવે તો બેય ભાઈ એકાદ દડબું ઘર્યે લાવે ને બાકીનો રસ્તામાં જ ઉલાળી જાય. અમે છાણા–બળતણ લેવા જઈએ ત્યારેય મોટો ભાઈ ઘડીક અમારા માથાનો ભાર હળવો કરાવે પણ નાનો ધરાર હાથ નો અડાડે…ભેળો ફરે ખરો પણ માથે લેવામાં એને લાજ આવે. એકવાર પરાણે છાણનો  સુંડલો માથે મુકયો તો ફરંગટી ખાઈને પડયો હેઠો ને બધું વેરણછેરણ કરી મેલ્યું. મને યાદ નથી કે નાનો પરસેવો પાડવાના કોઈ કામમાં કોઈ દા‘ડો અડફટે ચડયો હોય… હા! ચોમાસામાં ભીંત્યું પર કુંવળની જાડી થાપ દેવાઈ જાય પછી કપાસની સાંઠીયુંના ત્રાટા ભીડવામાં એની મોનોપોલી. એ ત્રાટા બાંધવાની ગાંઠય ધરાર કોઈને નો શીખવે… ત્રાટા ભીડતી વખતે એ જો બાને નચાવે તો તો બા અચુક સંભળાવેઃ “શીયાળભાઈની જરૂર પડે ત્યારે શીયાળભાઈ ટેકરે ચડે…!” મને ભણવાનું શીખવવામાં પણ કાયમ આડો ફાટે. ઈ ૧૨માં ધોરણમાં હતો ત્યારે ગામના ડોકટરોના છોકરાવને ગણીત–વીજ્ઞાન શીખવે ને મહીને ૪૦૦ રૂ. લઈ પાઈએ પાઈ બાને આપી દેતો. પણ મને ધરાર નો શીખવે. દાદા એને ભાંડે પણ ખરા ’માદરબખત’ આવતા જન્મે તું મઘરો થઈશ…’ પણ એને કાંઈ ફરક નો પડે. હું બઉ પાછળ પડું તો ’તુંય દેને ૧૦૦ રૂ. તનેય ભણાવીશ.’ એવું કહી દેતાં લાજે નંઈ જરાય… ખબર નંઈ મારી સાથે અકોણાઈ કરાવામાં એને શાના જલસા પડતા‘તા… (ક્રમશઃ)

 

(‘મારા ભાઈ‘ – શરીફા વીજળીવાળાનવનીત સમર્પણ–ફેબ્રુ.–૨૦૦૮માંથી સાભાર)

 

Advertisements

Read Full Post »