Feeds:
પોસ્ટો
ટિપ્પણીઓ

           આમ તો નાનપણમાં; બધા થોડાઝાઝા તોફાન હોય જ પણ અમે ભાઈ–બહેન જરા વધુપડતાં જ વાંગડ હતાં. આજે એમાંનું કંઈ યાદ આવે ત્યારે દાંત કાઢીકાઢીને પેટમાં આંટી પડી જાય છે…આપણે આવાં હતાં ખરાં? એવો પ્રશ્ન નથી થતો કારણ આ બધું હજી કાલે જ બન્યું હોય એવું સાવ ચોખ્ખુંચણાક નજર સામે તરવરે છે…

            મારા ઘરની હાલત એવી હતી કે મા–બાપ ચાદરના બે છેડા ભેળા કરવામાંથી ઉંચા જ નો આવતાં. સાંજ પડયે ચુલાની રાખ ટાઢી નો રયે એના માટે મા ને બાપુ બેઉ દી‘ આખો હડીયાપાટી કર્યે રાખતાં. એટલે એમનો વાંહો વળે ઈ પછી અમે કેવીકેવી લીલાઓ કરતા. ઈ જોવાનો એમની પાંહે વખત જ  નો‘તો. જોકે મા–બાપનાંભાગ્ય એટલાં પાંહરાં નીકળ્યાં કે અમે ભાંગફોડીયાં નો‘તા. ભણતા પણ બરાબર ને નીશાળેથી કોઈની રાવ લઈનેય નો આવતાં. (જોકે કદી માર ખાઈનેય નો‘તા આવતાં. હીસાબ પતાવીને પછી જ ઘરમાં પગ મુકવાની ટેવ…) આમ તો અમે પાંચ ભાઈ–બહેન. પણ અમારા તોફાનોમાં મોટીબહેન મોટી પડતી ને નાનીબહેન નાની… એટલે રહ્યાં હું ને મારાથી મોટા બે ભાઈ.… સાવ નાનેથી જ નાનાથી મોટાને મોટોભાઈ અને મારાથી બે વર્ષ મોટાને નાનો ભાઈ કહેવાની ટેવ… એ બેઉના નામના પર્યાય જ થઈ ગયેલ. નાનો ને મોટો… આમાં મારે મોટા ભાઈ સાથે બહુ ભડે પણ નાના ભાઈ સાથે બારમો ચંદરમા… અમારે બેયને ઉભા નો ભળે. બધી વાતે એને મારી હાથે વાંકું પાડવાની ટેવ… હાલતાં–ચાલતાં હાથનો ચાળો કરતો જાય… એના હાથ હાલે ને મારી જીભ… હું હતી અઢી હાડકયાની. જરાક જોરમાં પવન વાય તો ઉડી જાઉં એવી… એટલે હાથોહાથની લડાઈમાં તો એને પોંચી વળું એમ હતી નંઈ, પછી જીભ સીવાય કયું શસ્ત્ર બચે? એટલે વાતેવાતે માર ખાવાનો થાય. મોટો કંટાળે તો વચ્ચે પડે, મને મેલાવે… પણ મોટા ભાગે ઈ મેતો મારેય નંઈ ને ભણાવેય નંઈ એવો જીવ… જેમ થાતું હોય ઈમ થાવા દ્યે. મારી માર ખાવાની તાકાત ખર્ચાય જાય પણ જીભ થાકી જાય પછી હું ભેંકડો તાણું પણ સાંભળે કોણ ? દાદી બીચારી કામ કરતી હોય. વીઘા એકના ફળીયામાં અમે કપાઈ મરીએ તોય કોઈ જોવાવાળું હતું નંઈ. અમે તો ગામ બારા, વગડા વચાળે આવળ–બાવળને ઈંગોરીયાના જાળાઓ વચાળ સાવ એકલાં રે‘તાં તાં. ખાસ પડોશ તો હતો નંઈ. રોઈ રોઈને થાકું એટલે છાની રહી જાઉં. માંડું કંઈ વાંચવા કે લેસન કરવા.દસ–સાડાદસ થાય ને બા માથે બે–અઢી મણનો લાકડાનો ભારો કે એક હાથ ઉંચું અડાયાનું જાળું ખડકીને સીમમાંથી આવતી દેખાય. તરત નાનો ભાઈ મને કોણી મારે…”જો… બા આવ્યાં, તારે રોવું નથી ?” ને ખરેખર જ મારું ભુંગળું શરૂ થઈ જાય. એક તો બા રખડી–રખડીને થાકીપાકીને આવ્યાં હોય, પેટમાં લાય લાગી હોય… જરાક પોરો ખાઈ પાણી–બાણી પીવે ઈ પેલાં જ મારો ભેંકડો સંભળાય. એટલે આડું–અવળું જોયા–જાણ્યા વગર ઝાંઝ ચડી હોય એમ ઉભી થાય અને વગર વાંકે મને ઝુડી નાંખે. આ ખેલ લગભગ આખું વેકેશન રોજ ભજવાય… ને મને સાવ નાની હતી તોય બેઉ બાજુનો માર ખાવાને કારણે લાગતું કે આ  દુનીયામાં ન્યાય જેવું કંઈ છે જ નંઈ ! વળી નવાઈ એ  હતી કે પાંચ ભાઈબહેનમાંથી માર હું એકલી જ ખાતી. એક તો કામની ચોર, લખણની લાડકી ને એમાં ગામ આખાને આંટો વાઢે તોય વેંત્ય વધે એવી વાંભ એકની જીભ… બપોર પછી બા નીરાંત જીવે આડે પડખે થાય ને મોટા ભાઈ પાંહેથી વાત જાણે ત્યારે પસ્તાય પણ ખરી…પણ વળી પાછો રોજનો ખેલ તો એવો ને એવો જ…આ માર સામે વીરોધ વ્યકત કરવાનું મારું એક જ હથીયાર. ખાવા નો બેસું… લાગલગાટ બબ્બે લાંઘણ ખેંચું, મોંમાં ચાંદા પડી જાય. પણ ધરાર ખાવા ન બેસું. મા કાલાવાલા કરે, મનાવીને માંડ ખાવા બેહાડે ત્યાં નાનો ભાઈ ‘નીર પાણી વગર્ય ગોરીયો ગમાણો આવી ગ્યો‘  કે‘તો ઉભો જ હોય ને વળી હું કાળજાળ.…ભાણું હડસેલતીકને એની વાંહે…કોને ખબર્ય આ ખેલ કેટલાં વરસ ભજવાયો હશે ?…

            બા નાના ભાઈને ઘણી વાર વારે પણ ખરીઃ ‘મારા રોયા, બેનને મારીશ તો ખુદા તારા હાથમાં કાંટા ઉગાડશે…‘ પણ એને કો ‘ઈ દા‘ડો બાના વેણની અસર નો ‘તી થઈ. આમેય હું નાનેથી સડેલી હતી…બારે મઈના કાં ગુમડા ને કાં ખરજવાં…માછલી ઠોલે તો ગુમડાં મટી જાય એવી માન્યતાને કારણે મેં ખબર્ય નંઈ કેટલી માછલીયુંને ધરવી હશે! પણ ગુમડાં મટયાં હોય એવો કોઈ ચમત્કાર માછલીયુંએ નો’તો કર્યોં એમાં એક વરસે મારા આખા શરીરે ઝળેળા ફુટી નીકળ્યા, તલ મેલો એટલી જગ્યા પણ નો’તી બચી. પેલાં પાણીથી ભરાણા ને પછી રસીથી ફદફદી ગ્યા. કો’ક ખવડાવે ત્યારે ખવાય એવા હાથ ગેગી ગ્યા… ને નાનો ભાઈ ખુશખુશાલ મોઢે બાને કયેઃ “લ્યો, આ તો મારા હાથમાં ઉગવાને બદલે બાડીના હાથમાં કાંટા ઉગ્યા…” નાની હતી ત્યારે મારે છએક મહીના માટે ચશ્મા આવેલાં. બસ ત્યારથી બેઉ ભાઈ કાયમ આ જ નામે બોલાવતા. આમેય નાના ભાઈને તો મારા મુળ નામ કરતાં એણે પાડેલાં મારાં નામોમાં વધુ રસ. બાડા બત્રીસ–લખણા હોય એવું એ રોજ સંભળાવે. એણે મારાં બત્રીસ નામ પણ પાડેલાં. આજે આટલાં વર્ષો પછી એની દીકરીની ફરમાયશ પર હજીયે એક શ્વાસે એ મારાં બત્રીસ નામ બોલી શકે છે!!!

            હું એવી આડી હતી કે બેઉ ભાઈ જયાં રખડવા જાય ત્યાં ધરાર એની વાંહે જાઉં, કેટલીયે વાર મારીને પાછી તગેડી મુકે તોય રોતી જાઉં ને વાંહે વાંહે હડી કાઢતી જાઉં… રમત્યું પણ ધરાર ઈ બધા રમે ઈ જ રમવાની જીદ. મોંઈ–દાંડીયા, લગ્ગી (લખોટી), નારગોલ, ગરીયો ફેરવવો….ખજુરના ઠળીયાથી કે કોડીયુંથી રમવું… રત્ય પ્રમાણે રમત્યું બદલ્યે રાખે… પણ છોકરીયું ભેળી ધરાર નો રમું. પેલ્લો વરસાદ આવે ઈ ભેળા બેય ભાઈ, ગામની રખડેલ પરજા ભેળા વીંછી ગોતવા નીકળી પડે. ઘર પડખેની ટેકરીઓ પર મોટા મોટા પાણા ઉંચા કરે એટલે હેઠ્યે કાળા ભમ્મર કાદવીયા વીંછી બેઠા જ હોય. આ વીંછી જો ડંખે તો માણસ પાણી નો માગે એવું એનું ઝેર હોય. ને તોય ખબર નંઈ આ બધાને વીંછી પકડવામાં શેના જલસા પડતા ? પેલ્લા વરસાદે કાદવીયા વીંછીના ડાબલા ભરવાના એટલે ભરવાના…પણ જેવો ડાબલો ભરાય ઈ ભેળી રમત્ય પુરી…બસ પછી રમરમાવીને ડાબલાનો ઘા કરી દેવાનો… પણ એકવાર ડાબલો બંધ કરીને ભુલી ગ્યા ફેંકવાનુ. તે બધા વીંછી ગુંગળાઈ મર્યા. પછી બાએ બરોબર્યના ઠમઠોર્યા કે કાયમ માટે ખો ભુલી ગ્યા વીંછી પકડવાની.

            આ બેય ભાઈ બધીય જાતના ખેલમાંથી નવરા પડે એટલે હું હાથે ચડું…એક ભાઈ ડામચીયા પાંહે ઉભો ર્યે અને બીજો ઘરની વચાળે… પછી બેઉ ‘આવવા દે…માર્ય ધકકો….‘ કેતા જાય ને મને ધકેલતા જાય…હું ગમે એટલું રાડયું નાખું તોય ઈ બેયને મજા આવે ત્યાં લગણ ઈ મને દડો બનાવીને રમ્યે રાખે. મારા માથે કાયમ ગુમડાં થાય એટલે બને ત્યાં સુધી બા માથે વાળ ઉગવા જ ના દ્યે…ટાલકું જ રાખે. કયારેક મન થાય ને કોઈ ભાળે એમ નથી એની ખાતરી થાય એટલે બેય ભાઈ ભેળા થઈ કેડા વચાળે બેસાડી ઝીણી ધુડયથી નવડાવે…ટાલ પરથી સરી જતી ધુ્ડ્ય જોવાનો એમનો આનંદ બાપુએ બે ઝાપટ મારીને છીનવી લીધેલો…જોકે માર મોટાને જ પડેલો… નાનો કદી માર ખાવામાં, કામ કરવામાં… લાગે ચડતો જ નંઈ. અમારા ઘરમાં એક મોટા મોઢાવાળી બેટરી હતી. એક દા‘ડો અમારા ત્રણેય વચ્ચે શરત લાગી કે કોના મોઢામાં આ બેટરી જાય ? ને ડોળા ફાટીર્યા તોય મેં અને મોટાએ ખેલ કરી દેખાડયો. નાનાને નો ગઈ એટલે મારે તો બમણો હરખ. પણ ઈ બેટરીના કારણે મારે ને મોટાને કાયમી ધોરણે જડબાંખડી ગ્યાં (dislocation of  jaw).  આજે જરાક સુખાળવું બગાસું ખવાઈ જાય તોય હેઠલા જડબાને હાથથી ધકકો મારી મોં બંધ કરવું પડે. ઉભી બજારે પાણીપુરી ખાનારાઓની મને એટલે જ બઉ ઈર્ષા થાય!!

            નાનો ભાઈ કામનો મારી જેમ જ કાહળીયો. બને ત્યાં સુધી તો એ લાગમાં જ નો આવે. ને જો ભુલેચુકેય  લાગમાં આવી જાય તો અડદને બદલે મગની દાળ કે એવું જ કંઈક ભળતું લઈ આવે તે મોટાને બદલવા જવું પડે… બા બીજીવાર મોકલે નંઈ એનો નાનો મેળ પાડી જ લ્યે. એમાંય જો બા ગોળ મંગાવે તો બેય ભાઈ એકાદ દડબું ઘર્યે લાવે ને બાકીનો રસ્તામાં જ ઉલાળી જાય. અમે છાણા–બળતણ લેવા જઈએ ત્યારેય મોટો ભાઈ ઘડીક અમારા માથાનો ભાર હળવો કરાવે પણ નાનો ધરાર હાથ નો અડાડે…ભેળો ફરે ખરો પણ માથે લેવામાં એને લાજ આવે. એકવાર પરાણે છાણનો  સુંડલો માથે મુકયો તો ફરંગટી ખાઈને પડયો હેઠો ને બધું વેરણછેરણ કરી મેલ્યું. મને યાદ નથી કે નાનો પરસેવો પાડવાના કોઈ કામમાં કોઈ દા‘ડો અડફટે ચડયો હોય… હા! ચોમાસામાં ભીંત્યું પર કુંવળની જાડી થાપ દેવાઈ જાય પછી કપાસની સાંઠીયુંના ત્રાટા ભીડવામાં એની મોનોપોલી. એ ત્રાટા બાંધવાની ગાંઠય ધરાર કોઈને નો શીખવે… ત્રાટા ભીડતી વખતે એ જો બાને નચાવે તો તો બા અચુક સંભળાવેઃ “શીયાળભાઈની જરૂર પડે ત્યારે શીયાળભાઈ ટેકરે ચડે…!” મને ભણવાનું શીખવવામાં પણ કાયમ આડો ફાટે. ઈ ૧૨માં ધોરણમાં હતો ત્યારે ગામના ડોકટરોના છોકરાવને ગણીત–વીજ્ઞાન શીખવે ને મહીને ૪૦૦ રૂ. લઈ પાઈએ પાઈ બાને આપી દેતો. પણ મને ધરાર નો શીખવે. દાદા એને ભાંડે પણ ખરા ’માદરબખત’ આવતા જન્મે તું મઘરો થઈશ…’ પણ એને કાંઈ ફરક નો પડે. હું બઉ પાછળ પડું તો ’તુંય દેને ૧૦૦ રૂ. તનેય ભણાવીશ.’ એવું કહી દેતાં લાજે નંઈ જરાય… ખબર નંઈ મારી સાથે અકોણાઈ કરાવામાં એને શાના જલસા પડતા‘તા… (ક્રમશઃ)

 

(‘મારા ભાઈ‘ – શરીફા વીજળીવાળાનવનીત સમર્પણ–ફેબ્રુ.–૨૦૦૮માંથી સાભાર)

 

Advertisements

ગઝલ–સુધીર પટેલ

 

(૧)

 

એક પંખીનોય માળો જો જુદો થૈ જાય છે,

વૃક્ષનો માહોલ સઘળોયે સુનો થૈ જાય છે.

 

આ દીવસનો માર એને પણ પડે છે, જોઈ લ્યો

સાંજ પડતાં તો સુરજ રાતો–પીળો થૈ જાય છે !

 

આની–તેની સામે ઉંચા સાદથી બોલી શકે,

કેમ એ સ્વર આઈના સામે ધીમો થૈ જાય છે ?

 

કેમ ઓળંગી શકું મારા અહમ્ ને હું સ્વયમ્ ?

જેમ ઉંચો થાઉં, થોડો એ ઉંચો થૈ જાય છે !

 

રાજ કરવા ઈચ્છતો સુબો થઈ મન પર અને–

એક પળમાં ભાંગી ભુક્કો મનસુબો થૈ જાય છે !

 

કૈં ગઝલ ધરબેલી છે અકબંધ હૈયામાં ‘સુધીર’

જાઉં જ્યાં અવતારવા, કાગળ ભીનો થૈ જાય છે !

 

(૨)

 

ચાલ, ઉભો થા ને રજ ખંખેરી નાંખ,

મન પર ચોંટી સમજ ખંખેરી નાંખ.

 

ચીજ સૌ તું પર્ણ રૂપે ધાર ને–

એક હો કે હો અબજ, ખંખેરી નાંખ.

 

રાતને પણ પ્રેમથી માણી શકાય

તું અહમ્ ના સૌ સૂરજ ખંખેરી નાંખ.

 

નાદમાં તું પુર્ણરૂપે વ્યક્ત થઈ

શબ્દની સઘળી ગરજ ખંખેરી નાંખ

 

જાત તારી ટહુકતી રહેશે ‘સુધીર’

કોઈ જુઠી તરજ ખંખેરી નાંખ

 

સુધીર પટેલ

(સુધીરભાઈના ત્રણ ગઝલસંગ્રહો ‘નામ આવ્યું હોઠ પર એનું અને..’, ‘મુંગામંતર થઈ જુઓ’ તથા તાજેતરમાં ‘ઉકેલીને સ્વયંના સળ’ પ્રગટ થયા છે.) 

E-Mail: Sudhir.Patel@flextronics.com  

Sudhir Patel,7504 Double Springs Court, Charlotte, N.C. 28262 USA.

 

 

 

 

 

ભૌતીક સુખો–દીનેશ પાંચાલ

 

           કયું કારણ હશે, ખબર નથી, પણ માણસને વાળ કાળા જ ગમે. દાંત ધોળા જ ગમે. ચામડી ગોરી જ ગમે. પત્ની રૂપાળી જ ગમે. પુરુષોને પગાર પુછો તો થોડોક વધારે કહેવાનું મન થાય.. સ્ત્રીને ઉંમર પુછો તો તે ઓછી કહે. બોર્ડમાં જે  ફર્સ્ટ આવ્યો હોય એ ઝંખે કે કોઈ એને રીઝલ્ટ પુછે. પણ જે નાપાસ થયો હોય એ  ઈચ્છે કે કોઇ એને રીઝલ્ટ ન પુછે તો સારુ. છોકરી ડૉકટર ને પરણી હોય તો ગૌરવભેર કહે–‘મારો વર ડૉકટર છે!’ પણ ધારો કે એનો પતી સ્મશાનમાં ડાઘુની નોકરી કરતો હોય તો. …?(આ માત્ર કલ્પના નથી, આવું થતું હોય છે. એક યુવતીને દાતણ વેચતા યુવક જોડે પ્રેમ થઇ ગયો. લગ્ન કરી નાખ્યા. તે ચબરાક યુવતી તેની સહેલીઓને કહે છેઃ ‘મારો હસબન્ડ “ટીમ્બર મર્ચન્ટ છે ! ‘) કોઇ માણસ વેશ્યાગામી હોય તો પણ વેશ્યાના ગળામાં વરમાળા પહેરાવવાનું પસંદ નથી કરતો. સંડાસનો ઉંબરો આરસનો ભલે હોય પણ શ્રદ્ધાળુઓ સવારે તેની પર ફુલ મુકતાં નથી. અને ગાય ગંદીગોબરી હોય તો ય લોકો તેને માથે હાથ અડાડે છે! સમાજમાં દરેક વસ્તુની કીંમત પ્રસ્થાપીત થયેલી છે. આપણા મનના કોમ્પ્યુટર પર દરેકના ભાવ લખેલા હોય છે.સમાજ જોડે વર્તતી વખતે આપણી નજર એ પ્રાઇસલીસ્ટ પર રહેતી હોય છે.

                        ઘણી બાબતોમાં માણસે સ્થળ, કાળ અને સમય પ્રમાણે બદલાવું પડે છે. એ જુદી વાત હતી કે હરીશ્ચંદ્ર સ્મશાનમાં નોકર કરતા હતાં ત્યારે ખુદના દીકરાની લાશ બાળવાના પૈસા પત્ની પાસથી માંગ્યા હતા પણ આજે ફાઇવસ્ટાર હોટલના દરવાજે દરેકને સલામ મારતો દરવાન ઉભો હોય અને તેની પત્ની  અને બાળકો હોટલમાં ગ્રાહક બનીને આવે તો દરવાન તેમને સલામી ભરતો નથી. મંદીરમાં માથુ ઓઢીને પુજા કરતી નવોઢા મધુરજનીમાં પણ માથુ ઓઢી રાખે તો મધુરજની કટુરજની બનતા વાર ન લાગે. કોઈનું મૈયત થાય ત્યારે મીષટાન્નની અપેક્ષા રાખતો સમાજ કોઇના છુટાછેડા થાય ત્યારેપેંડા માંગતો નથી.(‘જો કે અમારા મીત્રના વીવાહ તુટી ગયા ત્યારે મીત્રોએ પાર્ટી માંગેલી. વાત કંઇક એમ બનેલી. મીત્ર એક છોકરી જોવા ગયા. છોકરી ગમી ગઇ. વીવાહ થઇ ગયા. પણ બીજે દીવસે તે છોકરી ટપોરી સાથે ભાગી ગઇ. મીત્રએ દુઃખી દીલે પોતાના ભાઇબંધોને એ વાત જણાવી. સૌએ તેને અભીનંદન આપી કહ્યું ; તું આબાદ બચી ગયો. વીચાર કર લગ્ન થઇ ગયા પછી એ ભાગી ગઇ હોત તો….? તારી પાસે ફર્સ્ટકલાસનો પાસ હતો. પણ તું થર્ડકલાસમાં બેસવા જઇ રહ્યો હતો.. તે ભાગી ના ગઇ હોત તો જીંદગીભર તારે ’ચાલુ‘ કલાસમાં મુસાફરી કરવી પડી હોત !‘)

                        માણસને ખાળકુવાની ગંદકી ગમતી નથી, એથી એણે ઢાંકણ શોધ્યું. મૃત્યુ દર્શનીય ચીજ નથી એવું સમજાયા બાદ કફન શોધ્યું. કહે છે–‘ઝભલામાં અને કફનમાં ખીસું નથી હોતું. માણસ ખાલી હાથે આવે છે અને ખાલી હાથે જાય છે !‘ વાત સાચી, પણ ઝભલા અને કફન વચ્ચે વીસ્તરેલી જીંદગીમાં ઠેરઠેર ગજવાં હોય છે તેનું શું…? ખાલી ગજવાવાળી જીંદગીના બુરા હાલ  થાય છે. ભીખારી ના દીલમાં પ્રવેશ કરીએ  તો  સમજાય કે ખીસા ખાલી હોય તો ઝભલુ ક્ષણવારમાં કફન બની જાય છે. ખીસું જન્મ કે મૃત્યુની જરૂરીયાત નથી, જીંદગીની જરૂરીયાત છે. સીનેમાહૉલમાંથી બહાર નીકળ્યા પછી ટીકીટનું અડધીયું ઉપયોગી રહેતું નથી. જીંદગીનો શો પતે પછી ચલણી નોટ સીનેમાની  ટીકીટ જેવી બની રહે છે.

            એવી જ વાત બેફામ સાહેબે કહી છે. ‘બેફામ, તોય કેટલું થાકી જવું પડયું….નહીં તો જીંદગીનો રસ્તો છે ઘરથી કબર સુધી…! આવું ચબરાકીયું ચીંતન સાંભળી દીલ કલ્લોલી ઉઠે, પણ પછી દીમાગ બોલી ઉઠે–ખોટી વાત ! ઘરમાંથી પગ ઉંચકીને માણસ બીજો પગ કબરમાં મુકતો નથી ઘર અને કબર વચ્ચે પુરા કદની જીંદગી પસાર કરવી પડે છે. એ રસ્તે માત્ર જીવવાનું નથી હોતું–ભાગવાનું…સંતાવાનું….રડવાનું….રીબાવાનું….શોષાવાનું….બધું જ કરવાનં હોય છે. ઘરથી સીધું કબર જવું હોય તો થાક ન લાગે, પણ ઘર ઉત્તર ધ્રુવ પર હોય તો….? બચુભાઈએ  ‘બેફામ‘ માટે એક આવેદનપત્ર તૈયાર કર્યું છે ; ‘બેફામ, તમારે કેમ જુઠું લખવું પડયું…નહીં તો પુરી જીંદગી વીસ્તરી છે ઘરથી કબર સુધી…!‘

                        અમે ભણતાં ત્યારે અંગ્રેજીમાં એક પાઠ હતો. ‘હાઉ મચ લૅન્ડ ડઝ  એ મેન નીડ?‘(માણસને કેટલી જમીનની જરૂર હોય છે?) એના લેખક સંભવતઃ મોંપાસા હતા. સુરજ ઉગે ત્યારથી આથમે ત્યાં સુધીમાં માણસ ચાલીને જેટલી જમીન કવર કરે તે બધી તેને વીના મુલ્યે મળી જાય એવી શરત હતી. એક માણસ લોભી બની વધુને વધુ જમીન કવર કરવાની લ્હાયમાં સુરજ ડુબતા સુધી ચાલ્યે રાખે છે અને અંતે મૃત્યુ પામે છે. તેને છ ફુટ ખાડો ખોદી દફનાવવામાં આવે છે. લેખક અંતે પુછે છે– આખરે માણસને કેટલી જમીનની જરૂર હોય છે…?? અહીં વ્યંજનાત્મક રીતે લેખક સુચવે છે, માણસે લોભ કરવો જોઇએ નહીં. કથાસંદેશની દૃષ્ટીએ  એ યોગ્ય છે. નહીંતર સત્ય એ છે કે માણસનો મૃતદેહ છ ફુટની કબરમાં સમાઇ શકે પણ પુરી જીંદગી જીવવા માટે તો એને છસો ચોરસફુટ પણ ઓછા પડે.

            ખેર, જેમના પેટ બાસુંદીથી ભર્યા હોય તેઓ કહે છેઃ ‘ગરીબની ભડકીમાં જે સુખ છે તે અમીરોની બાસુંદીમાં નથી!‘ આ પણ એક  છળચીંતન  છે. ભડકી ગરીબોની વૈભવ નથી મજબૂરી છે. સંસારના લાખો ગરીબો  ચટણી રોટલો ખાઇને જીવે છે. તેથી ચટણી અને રોટલો સુખના પ્રતીક બની જતાં નથી. ગરીબ માણસો આવી ‘પુઅર કલાસ ફીલોસોફી‘ વડે મન મનાવે છે. અન્યથા મનને છાને ખુણે તેઓ અનુભવે છે કે ભર ઉનાળામાં પતરાના ડેલામાં સુવા કરતાં એ..સી. રૂમમાં સુવાની જ મજા આવે. સંસારની સુખસાહ્યબીમાં જે મજા છે તે સાધુની સાદગીમાં નથી. સાદાઇથી જીવવું એ વ્યકતીના અંગત વીચારો હોઇ શકે. પરંતુ તે કારણે એ.સી., ટીવી., કાર, વીડીયો, કૉમ્પ્યુટર, ઈન્ટરનેટ, મૉબાઇલ…એ સર્વ ભૌતીક સુખો નીરર્થક છે એમ માનવું ભુલભરેલું છે. સત્ય એ છે કે બધાં સુખોમાં આનંદ સમાયેલો છે. સંસાર છોડી સાધુ બનેલાં સ્વામીઓ કે બાબાઓ બધાં જ સુખો ભોગવે છે. સંસારની માયા અને સુખસુવીધા છોડવાનું કહેતા સાધુઓ ઈલ્લીગલ સૅકસમાં સરી પડે છે. તેમના આશ્રમમાં ટીવી જ નહીં વી. સી. આર પણ હોય છે. પૉર્નોગ્રાફીની સીડી પણ હોય છે. એ. સી. કાર વીના તેઓ મુસાફરી કરતાં નથી.

            રૅશનાલીઝમની ઇમારત નક્કર સત્ય અને વાસ્તવીકતાના બીમકોલમ પર ઉભી છે. ચાલો, જીવનમાં વ્યાપક બનેલી એવી ઘણી ઈરરેશનલ અફવાઓને ફગાવી દઇએ. જેમકે (૧) પૈસો હાથનો મેલ છે. એને કુતરાંય સુંઘતાં નથી. (૨)  હંમેશા સત્યનો જ જય થાય છે. (૩) ગરીબો પ્રામાણીક હોય છે. (૪) દેશના બધાં જ રાજકારણીઓ દુષ્ટ અને ભ્રષ્ટાચારી જ હોય છે. (૫) સંસારની મોહમાયા છોડી ઇશ્વરને ભજશો તો જ જીવનનું કલ્યાણ થશે. (૬) વ્રત…ઉપવાસ…કથા…કીર્તન કરવાથી મોક્ષ મળે છે. (૭) જે મજા સંસારનો  ત્યાગ કરીને પ્રભુભજન કરવામાં છે તે સંસારમાં નથી. (૮) ઈશ્વર સંસારીઓને નહીં સાધુ, સંતો અને ધર્મગુરુઓને પ્રેમ કરે છે. એથી ગુરુ કર્યા વીના મોક્ષપ્રાપ્તી થતી નથી. (૯) બ્રહ્મચર્ય પાળનાર વધુ શકતીશાળી અને તેજસ્વી હોય છે. (૧૦) મર્યા પછી શ્રાદ્ધ ન કરો તો જીવ અવગતે જાય છે.

            દોસ્તો, આ યાદી હજી લાંબી  થઇ શકે પણ તેનો કશો ફાયદો નથી. માનવીએ પરાણે ઝાલી રાખેલા જર્જરીત જુઠાણાઓનો અહેવાલ તૈયાર કરવામાં મહેનત કરીએ તો એ અંધકાર માટે તપાસપંચ નીમવા જેવી ભુલ ગણાય. ઉત્તમ એ જ કે સત્યની દીવાદાંડી તરફ જ ધ્યાન કેન્દ્રીત કરીએ..સત્યનો સૂરજ મધ્યાન્હે તપશે તો  અજ્ઞાનના  અંધારા  એની  મેળે  દુર  થશે.

                          

           

ગઝલ– ભગવતીકુમાર શર્મા

 (૧)

 

સ્વપ્નું પણ કેવું કોરુંઘાકોર નીકળ્યું!

આમ તો શ્રાવણરાતને છેલ્લે પ્હોર નીકળ્યું.

 

બાવળ સમજી જેની નકરી કરી ઉપેક્ષા;

બળબળતા વૈશાખમાં એ ગુલમ્હોર નીકળ્યું.

 

જીવનના આ ચીત્રફલકનું તે શું કહેવું?

ઘાર્યું તું કંઇ ઔર અને કંઇ ઔર નીકળ્યું!

 

પુનમરાતે સ્મરણોનો ગુંથ્યો મઘપુડો;

ચાંદરણું મારા કાળજની કોર નીકળ્યું.

 

ટહુકાઓના પડઘાથી આકાશ સભર છે;

ચોમાસાનું  પગલેપગલું મોર નીકળ્યું.

 

મારાં ગીતોનાં ઇંડાં તુજ માળે ફૂટયાં;

વીયોગનું પંખી વૈરી ચીતચોર નીકળ્યું.

 

છાતી દડદડ, આંખો ભીની, કલમ ભુખરી;

મારું સંવેદન કેવું શીરમોર નીકળ્યું!

–––––––––––––––––––––––

(૨)

 

એ બહુ છાનેમાને આવે છે;

મોત નાજુક બહાને આવે છે.

 

ક્યાં મને એકલાને આવે છે ?

સુખ દુખ બધાને આવે છે.

 

ઓળખી લ્યો સમયના પગરવને;

એ જમાને જમાને આવે છે.

 

આમ તો આખી ડાયરી કોરી;

નામ તુજ પાને પાને આવે છે.

 

અશ્રુતોરણ ને સ્મીતની રંગોળી;

ઉત્સવો કેવા સ્થાને આવે છે !

 

બીમ્બ ચકલી જુએ છે પોતાનું;

પાંખ તો આયનાને આવે છે.

 

એના શ્વાસો બન્યા છે વેગીલા;

મ્હેક તારી હવાને આવે છે.

 

‘રણની શોભા મને જ આભારી’

ગર્વ આ ઝાંઝવાને આવે છે.

 

કુંપળે કુંપળે વસંત આવે;

પાનખર પાને પાને આવે છે. 

 

-ભગવતીકુમાર શર્મા

 

(મુ.ભ.શર્માના કવીતા સંગ્રહ ‘અઢી અક્ષરનું ચોમાસું’ માંથી સાભાર)

            મોનાલીસાનું ચીત્ર, યાદ છે ત્યાં સુધી, નવ વરસનો, ચોથા ધોરણમાં હતો ત્યારે પહેલી વાર જોયું હતું. ત્યારે પંડ્યાસાહેબે મોનાલીસાના સ્મીતની વાત સમજાવી હતી. તે ઉંમરે મને મોનાલીસા મરદ લાગતી હતી અને સ્મીતની તો વાત જ નહોતી. વરસો પછી ખબર પડી કે આ ફોટો તો કલરમાં છે. અમારી ગુજરાતી ટૅક્સ્ટબુકમાં તે બ્લૅક એન્ડ વ્હાઈટમાં હતો. અને મોનાલીસા સ્મીત કરે છે તે તો  આ ઉંમરે ધારી ધારીને જોઉં તો પણ દેખાતું નથી. કદાચ મારી સ્મીતની વ્યાખ્યા જુદી હોય. સ્મીત  કરીએ અને સામાને ખબર ન પડે એ સ્મીત શા કામનું ? સ્મીત તો એવું હોવું જોઈએ કે સામી વ્યક્તીને પણ સમજાય કે આ આપણા તરફ  મલકાય છે.

             ૨૦૦૩ના ઉનાળામાં, હું અને મારી પત્નીહંસા, લુવ્રના મ્યુઝીયમ સામે ઉભાં હતાં. અમારા ટુર ગાઈડે કહ્યું હતું કે, “તમારી પાસે બે કલાક છે. તમારે જો શૉપીંગ કરવું હોય તો શૉપીંગ કરો અને મ્યુઝીયમ જોવું હોય તો  તેમ કરો. પરંતુ બે કલાક પછી આ શૉપની સામે આવી જજો.” અમારી દીકરીએ કહ્યું હતું કે, “તમારે લુવ્ર જોવું હોય તો ઓછામાં ઓછા  બે દીવસ જોઈશે.” અમારી સામેનું બીલ્ડીંગ જોતાં લાગતું કે ખાલી બીલ્ડીંગમાં ફરતાં જ બે મહીના લાગે !

         હવે અમારી સામે મોટી મુંઝવણ હતી અને ખરું પુછો  તો મોટો પડકાર પણ હતો કે બે કલાકમાં શું કરવું ! મારી ઈચ્છા, બીજું કાંઈ નહીં તો પણ વીનસ-દ-મેલોનું સ્ટેચ્યુ જોવાની હતી અને સાથે સાથે મોનાલીસાનું પેઈન્ટીંગ પણ જોવું હતું. પત્નીની ઈચ્છા શૉપીંગની હતી પરંતુ સમજાવ્યું કે શૉપીંગ ન્યુયોર્કમાં કરવું સારું;  કારણ કે બાર્ગેઈનની જે   તક અમેરીકામાં છે તે પૅરીસમાં નથી. બીજું  એ કે  પૅરીસ રોજ રોજ અવાતું નથી તેથી આવો અમુલ્ય સમય શૉપીંગમાં ન વેડફાય. પત્નીને મનાવવામાં બહુ વાર ન લાગી. તેનું કારણ મને પાછળથી સમજાયું કે  તેણે મોનાલીસાનું ચીત્ર જોવાનું  એક વરસ અગાઉથી નક્કી કર્યું હતું. તેમાં તેનો ચીત્રકલા પ્રત્યેનો  પ્રેમ નહોતો. પરંતુ તે તેની મીત્ર, ચીત્રાની વાતો સાંભળીને કંટાળી હતી. ચીત્રાબહેને, છેલ્લા એક વરસથી મારી પત્નીનું જીવન તુચ્છ બનાવી દીધું હતું એમ કહી કહીને કે, ‘જીવનમાં તમે મોનાલીસાનું ચીત્ર ન જોયું હોય તો  કાંઈ જ જોયું  નથી.અને હવે અમે પેરીસમાં છીએ  અને મોનાલીસા જોયા વીના જઈએ તો ચીત્રાબહેન મારી પત્નીનું જીવન બદતર બનાવી દે. ચાર સદીઓથી  કલા રસીકોએ વખાણ્યું છે એટલે નહી; પરંતુ  ચીત્રાબહેનને બોલતાં બંધ કરવા પત્નીએ શૉપીંગની જગ્યાએ મોનાબહેનને જોવાનું નક્કી કર્યું હતું .અમે મ્યુઝીયમની ટીકીટ લીધી ત્યારે મ્યુઝીયમના ગાઈડને મેં વીનસ અને મોનાલીસાની  પુછપરછ કરી અને અમારી ઈચ્છા બતાવી. તેણે હસતાં હસતાં સમજાવ્યું કે બન્ને દેવીઓ એકમેકથી વીરુદ્ધ દીશામાં બીરાજમાન છે.

            લુવ્ર માટે કહેવાય છે કે તેમાં મુલાકાતીઓ  બે સવાલ ખાસ પુછે  છે કે, ‘બાથરુમ કયાં છે ?’ અને મોનાલીસા કયાં છે ?’ તો અમે બીજા નંબરનો પ્રશ્ન ઠેર ઠેર ઉભેલા ગાઈડને પુછવા માંડયો. મોનાલીસા કયાં છે ? ફ્રેંચ લોકો ઈંગ્લીશ બોલવામાં નાનમ સમજે છે; છતાં મોનાલીસાનું નામ સાંભળતાં હાથથી સમજાવી દેતાં કે, ‘આગળ જાઓ.હવે મને પાણી ચઢયું કે આપણા હાથમાં મૅપ છે, અને લોકોને પુછીએ તે કેમ ચાલે ? મૅપમાં ન જોઈએ ?  તે જ મારી મોટી ભુલ હતી. મૅપ પ્રમાણે અમે ચાલવા માંડ્યું. અમે કેટકેટલાય હૉલમાંથી પસાર થવા લાગ્યા. બધા જ હૉલ અસંખ્ય ચીત્રોથી ભરેલા હતા. મોનાલીસા તો કેવી હશે !   તે હરી જાણે. પરંતુ લુવ્રના બીજાં ચીત્રો કાંઈ ઓછાં મુલ્યવાન નહોતાં ! સુંદરતા અને કલાથી ભરપુર જાણ્યાઅજાણ્યા  ચીત્રકારોનાં ચીત્રો  પ્રદર્શીત કરવામાં આવ્યાં છે. અને આવા હજારો  ચીત્રો  છે. વચ્ચે વચ્ચે અમે ઉભા રહીને આ પેઈન્ટીંગ્ઝનો પણ લાભ લેતા હતા. અમે કેમેરાથી તેના ફોટા પણ પાડતા. તે પેઈન્ટીંગ્ઝ આગળ કોઈ નહોતું. જાણે કે તે અમારા આવવાની રાહ જોઈને ઉભા હતા. લાગ્યું કે માનવ મહેરામણ મોનાબહેનને જોવા ગયો છે. પછી મ્યુઝીયમના એક સ્વયંસેવકને મોનાબહેન વીશે પુછતાં, તેણે  જણાવ્યું કે અમે ખોટી દીશામાં જઈ રહ્યા છીએ. મ્યુઝીયમનો  નકશો હાથમાં હોવા છતાં ખોટી દીશા ? પરંતુ એમ બનવું કાંઈ અઘરું નથી. કારણ કે અમે જ્યાંથી પ્રવેશ્યા એ દરવાજાની જગ્યાએ બીજા દરવાજા પર મેં ચીહ્ન કર્યં હતું. એક તો સમય ઓછો અને એમાં મારી ભુલ. પછી જોઈએ જ શું ? હું આજુબાજુ ચીત્રો જોવાના ફાંફાં મારવા લાગ્યો અને પત્નીએ હું કેટલો ડોબો છું એ મને યાદ કરાવ્યું.

            તેવામાં મારી સમક્ષ મોનાલીસાનું  ઍરોવાળું સાઈન નજરે ચઢ્યું અને અમે સાથે નક્કી કર્યું કે એ સાઈનને ફૉલો કરો. હવે મારી શારીરીક મુશ્કેલી એ હતી કે,  મેં થોડા વખત પહેલાં જ બાયપાસ સર્જરી કરાવી હતી. એટલે ઝડપથી ચાલવાનો તો સવાલ જ નહોતો. મારી પોતાની એવી ઈચ્છા ખરી કે આપણને આ મ્યુઝીયમમાં હાર્ટ ઍટેક ન આવે તો સારું. અને હાર્ટ ઍટેકને જો આવવું જ હોય તો મોનાબહેનના  પેઈન્ટીંગની સામે આવે તો આપણને ઈન્ટરનેશનલ પ્રેસમાં ચમકવાનો ચાન્સ મળે…ઈંગ્લેન્ડની  ટ્રાવેલ ટુરમાં ગયેલ ભારતીય અમેરીકન સીટીઝનને ઈટાલીયન આર્ટીસ્ટના પેઈન્ટીંગ સમક્ષ ફ્રાંસમાં આવેલો હાર્ટ ઍટેક.વીશ્વ વીખ્યાત નાયગરાના ધોધ પર લોકોને મરતાં સાંભળ્યા છે; પણ મોનામાતાએ    કોઈ પ્રેમીનો ભોગ લેતાં નથી જાણી. અમે તો  મોનાલીસાવાળા ઍરોને ફોલો કરતાં કરતાં એક લાંબી લાઈન પર આવી ગયાં. મોનાલીસાની લાઈન હશે સમજીને ઉભાં રહી ગયાં. પછી બત્તી થઈ કે, માળું, મોનાબહેનને જોવામાં  સ્ત્રીપુરુષની  લાઈન જુદી કેમ ? પછી સમજાયું કે અમે મોનાબહેન કરતાં પણ વધુ અગત્યની લાઈનમાં ઉભાં હતાં, બાથરુમની. હવે ઉભાં જ રહ્યાં છીએ તો એ પણ પતાવીએ. એમ સમજીને ઉભાં રહ્યાં. ત્યાંથી નીકળીને અમે એક જબરદસ્ત મોટી સ્ટૅરકેસ પાસે આવી પહોંચ્યાં. લગભગ પચાસેક પગથીયાં હતાં. હવે ઉપર ચઢવું કે  ન ચઢવું એ દ્વીધામાં પડ્યાં ! ઍલીવેટર શોધવાનો સમય નહોતો અને પગથીયાં ચડવાની તાકાત નહોતી. તેમ છતાં ધીમે ધીમે ઉપર ચડવાનું નક્કી કર્યું. જાન જશે તો મોનાબહેનને ખાતે. ઉપરના માળે પહોંચીને પાછો ઍરો શોધી નાખ્યો. આ રુમ ને તે રુમ વટાવતાં વટાવતાં,  છેવટે મોના લીસાના રુમમાં આવી તો પહોંચ્યાં !

            જાણે કોઈ ફીલ્મ સ્ટારને જોવા માટે માનવ મહેરામણ ઉભરાય એમ લોકો અહીં ઉભરાયો હતો. એમ છતાં કોઈ  બોલીવુડની ઍકટ્રેસ માટેનાં ટોળાં કરતાં લોકો ઓછા હતા. એ તો સારું હતું  કે મોનાબહેનને  દીવાલ પર આઠ દશ ફુટ ઉંચા  એક યોગ્ય ટૅમ્પરેચરવાળા કલોઝેટમાં મુક્યાં હતાં. હવે આમાં  દરેકના હાથમાં કૅમેરા હતો. પત્નીએ લગભગ એક ડઝન વખતે પોતાનો ફોટો લેવાનું યાદ કરાવ્યું હતું. ચીત્રાબહેનને બતાવવા માટેનો ખાસ ફોટો પાડવાનો હતો. દરેકના હાથમાં ફોટોકૅમેરા  અને વીડીયોકૅમેરા હતા. લગભગ બધા જ નજીકથી ફોટા પડાવવા ધસી રહ્યા હતા. જગતના બધાં જ દેશોના લોકો હતા. આ જ એવી જગ્યા હતી જ્યાં આરબો અને જ્યુશ લોકો ખભે ખભા અડાડીને  મોના બહેનની નજીક જવા ધસતા  જોવા મળ્યા. મારી પત્ની મારાથી આગળ જતી રહી અને ફોટો પડાવવા પોઝ આપ્યો. જેથી તે મારી સામે જુએ અને  મોનાલીસાનું ચીત્ર પીઠ પાછળ આવે. ત્યાં તો મારી પાછળથી ધકકો આવ્યો. એક તંદુરસ્ત ઈટાલીયન મહીલા મારી આગળ જવા મથતાં હતાં. પરીણામે  હું પત્નીથી દુર હડસેલાઈ ગયો. અમે ફરીથી ફોટો લેવાનું નક્કી કર્યું. આ વખતે બે યુક્રેનીયન રુપાળી છોકરીઓ વચ્ચે આવી ગઈ. અને મારી ગરવી ગુજરાતણ તેમની પાછળ દબાઈ ગઈ. વળી પાછો ફોટો લેવાનો પ્રયત્ન કર્યો. અને છેવટે ફોટો લેવાયો. હવે મેં ઘડીયાળમાં ટાઈમ જોયો.  બસ ઉપડવાને  વીસ  મીનીટ બાકી હતી. એટલે અમે ત્યાંથી નીકળવાનું નક્કી કર્યું. અમે ભાગ્યાં. બસના સ્થાને સમયસર પહોંચી ગયા. બસમાં બેઠાં અને પત્નીએ કહ્યું, “તેં મોનાલીસાનું સ્માઈલ તો બતાવ્યું નહીં ?” હવે એને કેમ કરીને સમજાવું કે ફોટા અને બસની મ્હોંકાણમાં  હું જ મોનાલીસાનું સ્મીત જોવાનું વીસરી ગયો હતો ! અને એ ઓછું હોય એમ જયારે અમારી ટુરના ફોટા ધોવાઈને આવ્યા ત્યારે મોનાલીસાનો ફોટો જોવા કાઢ્યો. તે જોઈને મેં પત્નીએ પહેલો સવાલ એ પુછ્યો “ફોટામાં હું કયાં છું ?” મેં તેને ધીમેથી આશ્વાસન આપ્યું કે, “ફોટામાં આ બે રુપાળી છોકરીઓ દેખાય છે ને, તે બન્નેના ખભા વચ્ચે  જે દેખાય છે તે તારું માથું  છે અને પાછળ મોનાલીસાનું ચીત્ર દેખાય છે.” મેં ધ્યાનથી જોયું તો મોનાલીસા હસતી હતી. હવે મારી શી વલે થશે એના ખ્યાલે…   

(અમેરીકા સ્થીત શ્રી હરનીશ જાનીના આગામી નીબંધ સંગ્રહ સુશીલામાંથી સાભાર…)

હરનીશ જાની

સંપર્કઃ : Harnish Jani, 4- Pleasant Drive, Yardville -NJ-08620 – USA 

Phone-609-585-0861 eMail : harnish5@yahoo.com        

 

            વીજ્ઞાન સત્ય છે અને ધર્મ પણ સત્ય છે. બંને સત્ય એક જ છે. બંને સત્યો એકબીજાનાં પુરક છે.

            જયારે વીશ્વ પછાત અવસ્થામાં હતું ત્યારે માનવસમૂહોમાં અંદરોઅંદર લડાઈ–ઝઘડા થયા કરતા હતા. બુદ્ધીશાળી લોકોએ સારા આચાર–વીચારનું પ્રસ્થાપન કર્યું, જેથી માનવજીવન તુટવા–વીખરાવાને બદલે સ્થીરતા પ્રાપ્ત કરે. સારા આચાર–વીચારને આપણે ધર્મ કહીએ છીએ. ધર્મનો હેતુ માનવજીવનને સાચો રાહ બતાવીને શાંતી તેમજ સમૃદ્ધી લાવવાનો રહ્યો છે. બીજા કેટલાક બુદ્ધીશાળી લોકોએ કુદરતમાં થતી વીભીન્ન ઘટનાઓનું નીરીક્ષણ, પૃથક્કરણ કરીને કુદરતમાં છુપાયેલાં રહસ્યોને–નીયમોને અનાવૃત્ત કર્યાં છે. આ નીયમોને આપણે વીજ્ઞાન કહીએ છીએ.. વીજ્ઞાનનો હેતુ પણ માનવજીવનને સાચા રસ્તે લઈ જઈને સુખી અને સમૃદ્ધ બનાવવાનો રહ્યો છે. એ રીતે ધર્મ અને વીજ્ઞાનનો ઉદ્દેશ્ય એક જ છે. આથી ધર્મ તથા વીજ્ઞાન પરસ્પર વીરોધી નથી; પરંતુ સમન્વયકારી છે.

            પ્રાચીન ભારતમાં કેટલાયે ધર્મગુરુઓ અને ૠષીમુનીઓએ વીજ્ઞાનના વીકાસમાં અપ્રતીમ યોગદાન આપ્યું છે. પ્રાચીન ભારતના વૈજ્ઞાનીકોમાં અને ધર્મગુરુઓમાં હંમેશાં એકરૂપતા રહી છે. એમણે એકબીજાનસ્નેહ અને આદર આપ્યો છે, આથી જ એ સમયે ભારતમાં ધર્મ અને વીજ્ઞાન વચ્ચે કોઈ ઝઘડો અથવા તનાવ થતો ન હતો. વાસ્તવમાં તો પ્રાચીન ભારતમાં ૠષીમુનીઓ જ સાચા વૈજ્ઞાનીકો પણ હતા.

            એનાથી ઉલટું, પશ્ચીમના દેશોમાં વીજ્ઞાનના ઉદયની સાથેધર્મગુરુઓએ વૈજ્ઞાનીકોની ટીકાઓ કરવાના, બહીષ્કાર કરવાના અને અનેક પ્રકારની યાતનાઓ જેવી કે વૈજ્ઞાનીકોને માર મારવાના, કેદ કરવાના અને સળગાવી મુકવાના અત્યાચારો કર્યા હતા. એ રીતે પશ્ચીમી જગતના ધર્મગુરુઓ અસહીષ્ણુ હોવાને કારણેત્યાં વીજ્ઞાન અને ધર્મ વચ્ચે ટકકર થતી રહી. પરીણામે પશ્ચીમી જગતમાં ધર્મગુરુઓની સત્તા શેષ થતી ગઈ અને વીજ્ઞાનનો પ્રભાવ વધતો ગયો. જયારે ભારતમાં ધર્મ અને વિજ્ઞાનના સમન્વયને મોટા ભાગના બૌદ્ધીકો આવકારે છે.

            વીજ્ઞાનના સીદ્ધાંતો ધર્મના સીદ્ધાંતોની માફક જ્ઞાનને સત્ય તરફ દોરી જાય છે તેથી અધ્યાત્મ અને વીજ્ઞાન વચ્ચે તાર્કીક સરખામણી કરી શકાય છે. તેમાંય ક્વોન્ટમ યંત્રશાસ્ત્રના જન્મ પછી તો આ કાર્ય એકદમ સરળ થઈ ગયું છે. ઈ. સ. ૧૮૯૩માં શીકાગો ખાતે યોજાયેલ સર્વધર્મ પરીષદમાં ભારતનું પ્રતીનીધીત્વ કરતાં સ્વામી વીવેકાનંદે કહ્યું હતું કે, ‘પ્રાચીન વેદાંત અને વીજ્ઞાનના સીદ્ધાંતો વચ્ચે નજીકની સામ્યતા છે. આકાશ (દ્રવ્ય) અને પ્રાણતત્વ (શક્તી) એ બંને એકમેકના પુરક અથવા અપર–રુપ છે.’ બરાબર આવું જ આઈન્સ્ટાઈનના સમીકરણ E  =   mc2   પરથી ફલીત થઈ શકે છે. દુનીયા એ દ્રવ્યનો મહાસાગર છે. આ દ્રવ્ય શાનું બનેલું છે ? અણુકીય વીજ્ઞાન (Atomic physic)  મુજબ એ ઈલેક્ટ્રોન, પ્રોટોન અને ન્યુટ્રોન જેવા કણોનું બનેલું છે. ફરીને પ્રશ્ન થાય કે આવા કણો કયા દ્રવ્યના બન્યા હશે ? Particle  physics  પ્રમાણે તે લેપ્ટોન્સ, મેશોન્સ અને હેડ્રોન્સના બનેલા છે. ફરીને પ્રશ્ન થાય કે આવા અતીસુક્ષ્મ કણો શાના બનેલા છે ? (ક્રોમોડાયનેમીકસ) રંગપરીવર્તનશાસ્ત્ર મુજબ તે કવાર્ક્સના બનેલા છે, જે વીવીધ રંગો ધરાવે છે. વળી કવાર્ક શાના બનેલા છે તેનો જવાબ હજુ વીજ્ઞાને શોધવાનો છે. આમ વીજ્ઞાનમાં કોઈપણ તત્ત્વ જે સ્વરુપે મળે છે તે સ્વરુપે દેખાતું નથી જેને શાસ્ત્રમાં માયા કહેવામાં આવે છે. પરંતુ ધર્મ આ બાબતમાં સ્પષ્ટ છે. જેમાં આત્માને શરીરરુપી સાધનને કાર્યરત કરતી ચેતના છે. આત્મા એ પરમાત્મા(ઈશ્વર)થી ગુણાત્મક રીતે પર નહીં ; પરંતુ સામુહીક રીતે અલગ છે. જે રીતે સફરજનના એક ટુકડામાં સફરજનના સર્વ ગુણો રહેલા છે; જે રીતે લેસર–પ્રકાશ દ્વારા લેવામાં આવેલા ત્રીપરીમાણીય ચીત્ર (હોલોગ્રાફ)નો નાનો અંશ પૂર્ણ ચીત્રનું નીરુપણ કરી શકે છે; જે રીતે અગ્નિ અને તેની દાહકની અસર સ્વતંત્ર રીતે અસ્તીત્ત્વ ધરાવી શકતાં નથી; તેમ દ્વૈત (માનવ અને ઈશ્વર)વાદના સીદ્ધાંતો તથા અદ્વેતવાદ(આત્મા એ જ પરમાત્મા)ના સિદ્ધાંતો નીરપેક્ષ સંભવી શકતા નથી. આ જ રીતે બ્રહ્મ–ઈશ્વર–પરમાત્મા એક હોવા છતાં અનેક છે અને તે જુદાં જુદાં સ્વરુપે એકે–એક કણમાં રહેલો છે. બરાબર આવી જ રીતે દરેક ચૈતન્યમાં પૂર્ણ ચેતના સમાયેલી હોય છે. દરેક જગ્યાએ ઈશ્વર રહેલો છે.

            પદાર્થ વીજ્ઞાનનો એક નીયમ એ છે કે ક્રીયાની સાથે પ્રતીક્રીયા અનીવાર્ય છે. વીશ્વમાં ક્રીયા–પ્રતીક્રીયાનું ચક્ર ચાલતું જ રહે છે. પરંતુ તેમાં એક અપવાદ નોંધાયો છે. પદાર્થની વીભીન્ન અવસ્થાઓના નીરીક્ષણના પ્રયોગોમાં તાપમાનને ઘટાડતાં ઘટાડતાં તેના પરમ શુન્ય ‘એબ્સોલ્યુટ ઝીરો’ (-૨૭૩ .૧૫ ડીગ્રી સેન્ટીગ્રેડ) સુધી લઈ જવાનપ્રયોગ દરમીયાન વૈજ્ઞાનીકોએ એક અદભુત ઘટના જોઈ. પરમ શુન્ય તો એક એવી અવસ્થા છે, જયાં પહોંચી શકાતું નથી, પરંતુ ત્યાં પહોંચવાના પ્રયોગોમાં વૈજ્ઞાનીકોએ એ જોયું કે, પરમ શુન્યની નજીકની નજીક પહોંચતાં એકાએક પદાર્થના ઈલેકટ્રોનની ગતિ થંભી જાય છે અને તેની પ્રતીરોધશકતી અદૃશ્ય થઈ જાય છે! ભૌતિક વીજ્ઞાનના આ પરમ શુન્યના ચમત્કારની પ્રતીકૃતી આધ્યાત્મીક જગતમાં જોવા મળે છે.

            સાધના દ્વારા માણસ અહંકારનો લોપ કરી ‘શુન્ય’ સુધી પહોંચી જાય તો એની પ્રવૃત્તી પ્રતીક્રીયાથી પર બની જાય છે. પછી કર્મના બંધન એના ઉપર પોતાની પકકડ જમાી શકતાં નથી, એનાં સહજ સુખ, જ્ઞાન અને આનંદને મર્યાદીત કરવાની જુની પાળો તુટી પડે છે અને શુન્ય અવસ્થાએ થતું કાર્ય ‘અહમ્’ નથી જન્માવતું. પરીણામે તેને આત્મજ્ઞાન–આત્મદર્શન પ્રાપ્તી થાય છે. આંતર પ્રકૃતીના નીયમો શોધી કાઢનાર સાધકોએ આધ્યાત્મીક જગતને આપેલી આ મહાન ભેટ છે. વીજ્ઞાન અને ધર્મ સીકકાનાંબે પાસાં છે. વીજ્ઞાન ‘પ્રયોગલક્ષી’ છે જયારે ધર્મ ચીંતનલક્ષી છે. તેમ છતાં ધર્મ અને વીજ્ઞાન બંને સત્યશોધક છે. બંનેનો ઉદ્દેશ એક જ છે. વીજ્ઞાન જીવનની ‘પ્રાણશકતી’ છે, અને ધર્મ જીવનનું ચીત્ત છે. ચીત્તના માર્ગદર્શન હેઠળ પ્રાણ કામ કરે છે. માટે ધર્મનું માર્ગદર્શન વીજ્ઞાનને મળવું જોઈએ.. ધર્મ વીના વીજ્ઞાનને ખરી દીશા જ નહીં મળે… ધર્મ છે આંખ અને વીજ્ઞાનને છે પગ. વીજ્ઞાનમાં બેવડી શક્તી હોય છે. એક વીનાશશકતી અને બીજી વીકાસશકતી. તે સેવા પણ કરી શકે છે અને સંહાર પણ. અણુશકતીનો ઉપયોગ સુખસગવડ વધારવા માટે કરવો કે બોમ્બ બનાવીને વીનાશ માટે કરવો

તેની ચાવી વીજ્ઞાન પાસે નથી. એ વીવેક તો ધર્મ પાસે છે. જેમ પક્ષી બે પાંખોથી ઉડે છે તેમ મનુષ્ય ધર્મ અને વીજ્ઞાન એ બે શકતીથી આગળ ધપે છે.                                          (ક્રમશઃ)

પ્રો. પ્રહલાદ પટેલ

(લેખક ભૌતીકશાસ્ત્રના પુર્વ પ્રાધ્યાપક અને અમરનાથધામના મેનેજીંગ ટ્રસ્ટી છે. મો.નં.– ૯૮૨૪૦૦૩૫૬૬ )

 

(તારીખ ૨૧ જુલાઈ–૨૦૦૮ના ‘દિવ્ય ભાસ્કર’ દૈનીકની ‘ધર્મદર્શન’ પુર્તી–પાન–એક ઉપરથી સાભાર….)

 

ગઝલ– ગૌરાંગ ઠાકર

(૧)

 

એક તો તારો મને પર્યાય દેખાતો નથી,

ને ઉપરથી તું સરળતાથી અહીં મળતો નથી.

 

તું હવે વરસાદ રોકે તો હું સળગાવું ચુલો,

રોટલો આ છત વગરના ઘરમાં શેકાતો નથી.

 

ફૂંક મારી તું હવાને આટલી દોડાવ ના,

ધુળ છે કે મ્હેંક એનો ભેદ પરખાતો નથી.

 

ડાળથી છુટું પડેલું પાંદડું પુછયાં કરે,

વૃક્ષ પરનો એક ટહુકો કેમ ભુલાતો નથી?

 

એક માણસ ક્યારનો આંસુ લુછે છે બાંયથી,

આપણાથી તો ય ત્યાં રુમાલ દેવાતો નથી.

 

ભીતરી આખરી સફર પર ચાલવાની છે મઝા,

એકલા બસ આપણે એ ભીડનો રસ્તો નથી.

––––––––––––––––––––––––––––––––––––––

(૨)

 

મારી દીવાનગીને તમે છેતરો નહીં,

વરસાદ મોકલી હવે છત્રી ધરો નહીં.

 

કોરું કપાળ લઈ પુછે વીધવા થયેલી સાંજ,

અવસાન સુર્યનું ને કશે ખરખરો નહીં ?

 

એવું બને કે હું પછી ઉંચે ઉડયા કરું,

પાંખોમાં મારી એટલાં પીછાં ભરો નહીં.

 

ક્યારેક ભયજનક વહે અહીંયા તરસનાં પુર,

મૃગજળ કીનારે વ્હાણ તમે લાંગરો નહીં.

 

હું મ્હેંક, પર્ણ, છાંયડો, માળો દઈ શકું,

પણ આપ મુળથી મને અળગો કરો નહીં.

 

ગૌરાંગ ઠાકર

(સંપર્કઃ બી–૧૩, શુકન એપાર્ટમેન્ટ, સહજધામ રૉ હાઉસ સામે, અડાજણ–સુરત, ફોન-ઘર: ૦૨૬૧–૨૭૩૫૫૩૪.    ઈ મેઈલઃ gaurang_charu@yahoo.com