(૧)
સ્વપ્નું પણ કેવું કોરુંઘાકોર નીકળ્યું!
આમ તો શ્રાવણરાતને છેલ્લે પ્હોર નીકળ્યું.
બાવળ સમજી જેની નકરી કરી ઉપેક્ષા;
બળબળતા વૈશાખમાં એ ગુલમ્હોર નીકળ્યું.
જીવનના આ ચીત્રફલકનું તે શું કહેવું?
ઘાર્યું તું કંઇ ઔર અને કંઇ ઔર નીકળ્યું!
પુનમરાતે સ્મરણોનો ગુંથ્યો મઘપુડો;
ચાંદરણું મારા કાળજની કોર નીકળ્યું.
ટહુકાઓના પડઘાથી આકાશ સભર છે;
ચોમાસાનું પગલેપગલું મોર નીકળ્યું.
મારાં ગીતોનાં ઇંડાં તુજ માળે ફૂટયાં;
વીયોગનું પંખી વૈરી ચીતચોર નીકળ્યું.
છાતી દડદડ, આંખો ભીની, કલમ ભુખરી;
મારું સંવેદન કેવું શીરમોર નીકળ્યું!
–––––––––––––––––––––––
(૨)
એ બહુ છાનેમાને આવે છે;
મોત નાજુક બહાને આવે છે.
ક્યાં મને એકલાને આવે છે ?
સુખ દુખ બધાને આવે છે.
ઓળખી લ્યો સમયના પગરવને;
એ જમાને જમાને આવે છે.
આમ તો આખી ડાયરી કોરી;
નામ તુજ પાને પાને આવે છે.
અશ્રુતોરણ ને સ્મીતની રંગોળી;
ઉત્સવો કેવા સ્થાને આવે છે !
બીમ્બ ચકલી જુએ છે પોતાનું;
પાંખ તો આયનાને આવે છે.
એના શ્વાસો બન્યા છે વેગીલા;
મ્હેક તારી હવાને આવે છે.
‘રણની શોભા મને જ આભારી’
ગર્વ આ ઝાંઝવાને આવે છે.
કુંપળે કુંપળે વસંત આવે;
પાનખર પાને પાને આવે છે.
-ભગવતીકુમાર શર્મા
(મુ.ભ.શર્માના કવીતા સંગ્રહ ‘અઢી અક્ષરનું ચોમાસું’ માંથી સાભાર)

છાતી દડદડ, આંખો ભીની, કલમ ભુખરી;
મારું સંવેદન કેવું શીરમોર નીકળ્યું !
●●●
કુંપળે કુંપળે વસંત આવે;
પાનખર પાને પાને આવે છે.
●●●
સાચે જ, ‘શીરમોર’ !
સીદ્ધહસ્ત સર્જકની આ જ કમાલ છે !
મઝા આવી ગઈ…ઉત્તમ અને મધુ.. સુરત..
uttamgajjar@hotmail.com
કેવી સંવેદનશીલ અભિવ્યક્તિ…!
છાતી દડદડ, આંખો ભીની, કલમ ભુખરી;
મારું સંવેદન કેવું શીરમોર નીકળ્યું!
2-
ઓળખી લ્યો સમયના પગરવને;
એ જમાને જમાને આવે છે.
વાહ્.. બન્ને ગઝલો સરસ મૂકી છે.
દરેક શેર લાજવાબ……
મારા પ્રીય કવીઓમાંના
એક. ” એક કાગળ હરીવરને’કેસેટ યાદ આવી ગઈ.
બંન્ને ગઝલ સર્વાંગ સુંદર..!
Both gazals are excellent (Shirmor) and enjoyed them by heart!
Thank you, Vijeshbhai, for selecting the best.
Sudhir Patel.