મોનાલીસાનું ચીત્ર, યાદ છે ત્યાં સુધી, નવ વરસનો, ચોથા ધોરણમાં હતો ત્યારે પહેલી વાર જોયું હતું. ત્યારે પંડ્યાસાહેબે મોનાલીસાના સ્મીતની વાત સમજાવી હતી. તે ઉંમરે મને મોનાલીસા મરદ લાગતી હતી અને સ્મીતની તો વાત જ નહોતી. વરસો પછી ખબર પડી કે આ ફોટો તો કલરમાં છે. અમારી ગુજરાતી ટૅક્સ્ટબુકમાં તે બ્લૅક એન્ડ વ્હાઈટમાં હતો. અને મોનાલીસા સ્મીત કરે છે તે તો આ ઉંમરે ધારી ધારીને જોઉં તો પણ દેખાતું નથી. કદાચ મારી સ્મીતની વ્યાખ્યા જુદી હોય. સ્મીત કરીએ અને સામાને ખબર ન પડે એ સ્મીત શા કામનું ? સ્મીત તો એવું હોવું જોઈએ કે સામી વ્યક્તીને પણ સમજાય કે આ આપણા તરફ મલકાય છે.
૨૦૦૩ના ઉનાળામાં, હું અને મારી પત્ની–હંસા, લુવ્રના મ્યુઝીયમ સામે ઉભાં હતાં. અમારા ટુર ગાઈડે કહ્યું હતું કે, “તમારી પાસે બે કલાક છે. તમારે જો શૉપીંગ કરવું હોય તો શૉપીંગ કરો અને મ્યુઝીયમ જોવું હોય તો તેમ કરો. પરંતુ બે કલાક પછી આ શૉપની સામે આવી જજો.” અમારી દીકરીએ કહ્યું હતું કે, “તમારે લુવ્ર જોવું હોય તો ઓછામાં ઓછા બે દીવસ જોઈશે.” અમારી સામેનું બીલ્ડીંગ જોતાં લાગતું કે ખાલી બીલ્ડીંગમાં ફરતાં જ બે મહીના લાગે !
હવે અમારી સામે મોટી મુંઝવણ હતી અને ખરું પુછો તો મોટો પડકાર પણ હતો કે બે કલાકમાં શું કરવું ! મારી ઈચ્છા, બીજું કાંઈ નહીં તો પણ વીનસ-દ-મેલોનું સ્ટેચ્યુ જોવાની હતી અને સાથે સાથે મોનાલીસાનું પેઈન્ટીંગ પણ જોવું હતું. પત્નીની ઈચ્છા શૉપીંગની હતી પરંતુ સમજાવ્યું કે શૉપીંગ ન્યુયોર્કમાં કરવું સારું; કારણ કે બાર્ગેઈનની જે તક અમેરીકામાં છે તે પૅરીસમાં નથી. બીજું એ કે પૅરીસ રોજ રોજ અવાતું નથી તેથી આવો અમુલ્ય સમય શૉપીંગમાં ન વેડફાય. પત્નીને મનાવવામાં બહુ વાર ન લાગી. તેનું કારણ મને પાછળથી સમજાયું કે તેણે મોનાલીસાનું ચીત્ર જોવાનું એક વરસ અગાઉથી નક્કી કર્યું હતું. તેમાં તેનો ચીત્રકલા પ્રત્યેનો પ્રેમ નહોતો. પરંતુ તે તેની મીત્ર, ચીત્રાની વાતો સાંભળીને કંટાળી હતી. ચીત્રાબહેને, છેલ્લા એક વરસથી મારી પત્નીનું જીવન તુચ્છ બનાવી દીધું હતું એમ કહી કહીને કે, ‘જીવનમાં તમે મોનાલીસાનું ચીત્ર ન જોયું હોય તો કાંઈ જ જોયું નથી.’ અને હવે અમે પેરીસમાં છીએ અને મોનાલીસા જોયા વીના જઈએ તો ચીત્રાબહેન મારી પત્નીનું જીવન બદતર બનાવી દે. ચાર સદીઓથી કલા રસીકોએ વખાણ્યું છે એટલે નહી; પરંતુ ચીત્રાબહેનને બોલતાં બંધ કરવા પત્નીએ શૉપીંગની જગ્યાએ મોનાબહેનને જોવાનું નક્કી કર્યું હતું .અમે મ્યુઝીયમની ટીકીટ લીધી ત્યારે મ્યુઝીયમના ગાઈડને મેં વીનસ અને મોનાલીસાની પુછપરછ કરી અને અમારી ઈચ્છા બતાવી. તેણે હસતાં હસતાં સમજાવ્યું કે બન્ને દેવીઓ એકમેકથી વીરુદ્ધ દીશામાં બીરાજમાન છે.
લુવ્ર માટે કહેવાય છે કે તેમાં મુલાકાતીઓ બે સવાલ ખાસ પુછે છે કે, ‘બાથરુમ કયાં છે ?’ અને ‘મોનાલીસા કયાં છે ?’ તો અમે બીજા નંબરનો પ્રશ્ન ઠેર ઠેર ઉભેલા ગાઈડને પુછવા માંડયો. મોનાલીસા કયાં છે ? ફ્રેંચ લોકો ઈંગ્લીશ બોલવામાં નાનમ સમજે છે; છતાં મોનાલીસાનું નામ સાંભળતાં હાથથી સમજાવી દેતાં કે, ‘આગળ જાઓ.’ હવે મને પાણી ચઢયું કે આપણા હાથમાં મૅપ છે, અને લોકોને પુછીએ તે કેમ ચાલે ? મૅપમાં ન જોઈએ ? તે જ મારી મોટી ભુલ હતી. મૅપ પ્રમાણે અમે ચાલવા માંડ્યું. અમે કેટકેટલાય હૉલમાંથી પસાર થવા લાગ્યા. બધા જ હૉલ અસંખ્ય ચીત્રોથી ભરેલા હતા. મોનાલીસા તો કેવી હશે ! તે હરી જાણે. પરંતુ લુવ્રના બીજાં ચીત્રો કાંઈ ઓછાં મુલ્યવાન નહોતાં ! સુંદરતા અને કલાથી ભરપુર જાણ્યા–અજાણ્યા ચીત્રકારોનાં ચીત્રો પ્રદર્શીત કરવામાં આવ્યાં છે. અને આવા હજારો ચીત્રો છે. વચ્ચે વચ્ચે અમે ઉભા રહીને આ પેઈન્ટીંગ્ઝનો પણ લાભ લેતા હતા. અમે કેમેરાથી તેના ફોટા પણ પાડતા. તે પેઈન્ટીંગ્ઝ આગળ કોઈ નહોતું. જાણે કે તે અમારા આવવાની રાહ જોઈને ઉભા હતા. લાગ્યું કે માનવ મહેરામણ મોનાબહેનને જોવા ગયો છે. પછી મ્યુઝીયમના એક સ્વયંસેવકને મોનાબહેન વીશે પુછતાં, તેણે જણાવ્યું કે અમે ખોટી દીશામાં જઈ રહ્યા છીએ. મ્યુઝીયમનો નકશો હાથમાં હોવા છતાં ખોટી દીશા ? પરંતુ એમ બનવું કાંઈ અઘરું નથી. કારણ કે અમે જ્યાંથી પ્રવેશ્યા એ દરવાજાની જગ્યાએ બીજા દરવાજા પર મેં ચીહ્ન કર્યં હતું. એક તો સમય ઓછો અને એમાં મારી ભુલ. પછી જોઈએ જ શું ? હું આજુબાજુ ચીત્રો જોવાના ફાંફાં મારવા લાગ્યો અને પત્નીએ હું કેટલો ડોબો છું એ મને યાદ કરાવ્યું.
તેવામાં મારી સમક્ષ ‘મોનાલીસા’નું ઍરોવાળું સાઈન નજરે ચઢ્યું અને અમે સાથે નક્કી કર્યું કે એ સાઈનને ફૉલો કરો. હવે મારી શારીરીક મુશ્કેલી એ હતી કે, મેં થોડા વખત પહેલાં જ બાયપાસ સર્જરી કરાવી હતી. એટલે ઝડપથી ચાલવાનો તો સવાલ જ નહોતો. મારી પોતાની એવી ઈચ્છા ખરી કે આપણને આ મ્યુઝીયમમાં હાર્ટ ઍટેક ન આવે તો સારું. અને હાર્ટ ઍટેકને જો આવવું જ હોય તો મોનાબહેનના પેઈન્ટીંગની સામે આવે તો આપણને ઈન્ટરનેશનલ પ્રેસમાં ચમકવાનો ચાન્સ મળે…‘ઈંગ્લેન્ડની ટ્રાવેલ ટુરમાં ગયેલ ભારતીય અમેરીકન સીટીઝનને ઈટાલીયન આર્ટીસ્ટના પેઈન્ટીંગ સમક્ષ ફ્રાંસમાં આવેલો હાર્ટ ઍટેક.’ વીશ્વ વીખ્યાત નાયગરાના ધોધ પર લોકોને મરતાં સાંભળ્યા છે; પણ મોનામાતાએ કોઈ પ્રેમીનો ભોગ લેતાં નથી જાણી. અમે તો મોનાલીસાવાળા ઍરોને ફોલો કરતાં કરતાં એક લાંબી લાઈન પર આવી ગયાં. મોનાલીસાની લાઈન હશે સમજીને ઉભાં રહી ગયાં. પછી બત્તી થઈ કે, માળું, મોનાબહેનને જોવામાં સ્ત્રી–પુરુષની લાઈન જુદી કેમ ? પછી સમજાયું કે અમે મોનાબહેન કરતાં પણ વધુ અગત્યની લાઈનમાં ઉભાં હતાં, બાથરુમની. હવે ઉભાં જ રહ્યાં છીએ તો એ પણ પતાવીએ. એમ સમજીને ઉભાં રહ્યાં. ત્યાંથી નીકળીને અમે એક જબરદસ્ત મોટી સ્ટૅરકેસ પાસે આવી પહોંચ્યાં. લગભગ પચાસેક પગથીયાં હતાં. હવે ઉપર ચઢવું કે ન ચઢવું એ દ્વીધામાં પડ્યાં ! ઍલીવેટર શોધવાનો સમય નહોતો અને પગથીયાં ચડવાની તાકાત નહોતી. તેમ છતાં ધીમે ધીમે ઉપર ચડવાનું નક્કી કર્યું. જાન જશે તો મોનાબહેનને ખાતે. ઉપરના માળે પહોંચીને પાછો ઍરો શોધી નાખ્યો. આ રુમ ને તે રુમ વટાવતાં વટાવતાં, છેવટે મોના લીસાના રુમમાં આવી તો પહોંચ્યાં !
જાણે કોઈ ફીલ્મ સ્ટારને જોવા માટે માનવ મહેરામણ ઉભરાય એમ લોકો અહીં ઉભરાયો હતો. એમ છતાં કોઈ બોલીવુડની ઍકટ્રેસ માટેનાં ટોળાં કરતાં લોકો ઓછા હતા. એ તો સારું હતું કે મોનાબહેનને દીવાલ પર આઠ દશ ફુટ ઉંચા એક યોગ્ય ટૅમ્પરેચરવાળા કલોઝેટમાં મુક્યાં હતાં. હવે આમાં દરેકના હાથમાં કૅમેરા હતો. પત્નીએ લગભગ એક ડઝન વખતે પોતાનો ફોટો લેવાનું યાદ કરાવ્યું હતું. ચીત્રાબહેનને બતાવવા માટેનો ખાસ ફોટો પાડવાનો હતો. દરેકના હાથમાં ફોટો–કૅમેરા અને વીડીયો–કૅમેરા હતા. લગભગ બધા જ નજીકથી ફોટા પડાવવા ધસી રહ્યા હતા. જગતના બધાં જ દેશોના લોકો હતા. આ જ એવી જગ્યા હતી જ્યાં આરબો અને જ્યુશ લોકો ખભે ખભા અડાડીને મોના બહેનની નજીક જવા ધસતા જોવા મળ્યા. મારી પત્ની મારાથી આગળ જતી રહી અને ફોટો પડાવવા પોઝ આપ્યો. જેથી તે મારી સામે જુએ અને મોનાલીસાનું ચીત્ર પીઠ પાછળ આવે. ત્યાં તો મારી પાછળથી ધકકો આવ્યો. એક તંદુરસ્ત ઈટાલીયન મહીલા મારી આગળ જવા મથતાં હતાં. પરીણામે હું પત્નીથી દુર હડસેલાઈ ગયો. અમે ફરીથી ફોટો લેવાનું નક્કી કર્યું. આ વખતે બે યુક્રેનીયન રુપાળી છોકરીઓ વચ્ચે આવી ગઈ. અને મારી ગરવી ગુજરાતણ તેમની પાછળ દબાઈ ગઈ. વળી પાછો ફોટો લેવાનો પ્રયત્ન કર્યો. અને છેવટે ફોટો લેવાયો. હવે મેં ઘડીયાળમાં ટાઈમ જોયો. બસ ઉપડવાને વીસ મીનીટ બાકી હતી. એટલે અમે ત્યાંથી નીકળવાનું નક્કી કર્યું. અમે ભાગ્યાં. બસના સ્થાને સમયસર પહોંચી ગયા. બસમાં બેઠાં અને પત્નીએ કહ્યું, “તેં મોનાલીસાનું સ્માઈલ તો બતાવ્યું નહીં ?” હવે એને કેમ કરીને સમજાવું કે ફોટા અને બસની મ્હોંકાણમાં હું જ મોનાલીસાનું સ્મીત જોવાનું વીસરી ગયો હતો ! અને એ ઓછું હોય એમ જયારે અમારી ટુરના ફોટા ધોવાઈને આવ્યા ત્યારે મોનાલીસાનો ફોટો જોવા કાઢ્યો. તે જોઈને મેં પત્નીએ પહેલો સવાલ એ પુછ્યો “ફોટામાં હું કયાં છું ?” મેં તેને ધીમેથી આશ્વાસન આપ્યું કે, “ફોટામાં આ બે રુપાળી છોકરીઓ દેખાય છે ને, તે બન્નેના ખભા વચ્ચે જે દેખાય છે તે તારું માથું છે અને પાછળ મોનાલીસાનું ચીત્ર દેખાય છે.” મેં ધ્યાનથી જોયું તો મોનાલીસા હસતી હતી. હવે મારી શી વલે થશે એના ખ્યાલે…
(અમેરીકા સ્થીત શ્રી હરનીશ જાનીના આગામી નીબંધ સંગ્રહ ‘સુશીલા’માંથી સાભાર…)
–હરનીશ જાની
સંપર્કઃ : Harnish Jani, 4- Pleasant Drive, Yardville -NJ-08620 – USA
Phone-609-585-0861 eMail : harnish5@yahoo.com

hahahahahaha
sachche j savar na pahorma maja aavi gai….
wish you best luck.
મઝા આવી ગઈ..મોના લીસ્સા..!!
હંસાબહેન હસ્યા ને હરનીશભાઈ ફસ્યા.
વાહ મોનાબહેન,વાહ; કમાલનું હસ્યા.
Very good one excellent congrant to you
ચાલો , હરનિશભાઈની નજરે લુવ્ર જોવા મળ્યું. હવે પેરીસ જવાની જરુર નથી.
‘ સુશીલા’ ના સમાચાર પણ આજે જ જાણવા મળ્યા.
See what a smile can do????
Have a great day.
સરસ .. આ લેખ સાથે અમારા ચહેરા પર પણ સ્મીત આવી ગયું…
મોનાલિસા પાસે ભલે સ્મિત કરાવે, હરનિશભાઈ પોતે તો ખડખડાટ જ હસે – હાસ્યના બાદશાહ ખરાને!
બહુ મઝાનો હાસ્યલેખ.
nice but Complete in short…….
ધન્યવાદ વીજેશભાઈ,
સાચે જ, તમે દીવસ સુધારી દીધો, અમેરીકાસ્થીત હાસ્યના આ બેતાજ બાદશાહ એવા ભાઈ હરનીશ જાનીના લેખથી.. ‘સુધન’ એમનો પ્રથમ હાસ્ય વાર્તાસંગ્રહ.. ‘સુધનલાલ’ એમના પીતાનું નામ.
અને આ બીજો હાસ્ય નીબંધસંગ્રહ (જે હજી છપાવાનો છે) ‘સુશીલા’.
‘સુશીલા’ એમનાં માતુશ્રીનું નામ..ધન્ય છે, ‘માતા–પીતા–પુત્ર’ને ..
આવી રસભર સામગ્રી પીરસતા રહો…
..ઉત્તમ અને મધુ.. સુરત..
આજેજ આપની મુલાકાત થઇ હાસ્ય સાથે મજા આવી